મુંબઈ,તા.૨૪
રવિવારે રાત્રે ‘ઇન્ડિયન આઇડલ ૧૧’ના ગ્રાન્ડ ફિનાલેમાં ભટિંડાનો સની હિન્દુસ્તાની વિનર થયો છે. સનીને ટ્રોફીની સાથે ૨૫ લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું છે. રનર અપને ૫-૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. રોહિત રાઉત પહેલો રનર અપ અને બીજી રનર અપ ઓંકના મુખર્જી બની.
આયુષ્માન ખુરાના પોતાની ફિલ્મ ‘શુભ મંગલ ઝયાદા સાવધાન’ના પ્રમોશન માટે સ્ટારકાસ્ટ સાથે હાજર રહ્યો હતો. આ દરમ્યાન તેણે કહ્યું હતું કે ‘ઇન્ડિયન આઇડલ ૧૧’નો જે વિનર હશે તેને ‘ટી સિરીઝ’ની આગામી ફિલ્મમાં પ્લેબેક સિંગિંગનો ચાન્સ મળશે. વિનર સની આ શો જીત્યો તે પહેલાં જ ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘ધ બોડી’ અને કંગના રનૌતની ફિલ્મ ‘પંગા’ માટે ગીત ગાઈ ચૂક્યો છે. આ ફિનાલેમાં શોના ત્રણ જજ વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને નેહા કક્ક્ડે પણ પરફોર્મ કર્યું હતું.
સની ૧૪ વર્ષનો હતો ત્યારે જ તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારે ઘરની પરિસ્થિતિ એવી ન હતી કે તે ગાવાનું શીખી શકે. તે યુટયુબ પર નુસરત ફતેહ અલીના સોન્ગ સાંભળીને ગાતા શીખ્યો. મિત્રો તેને ઘણીવાર રિયાલિટી શોમાં જવા માટે કહેતા પરંતુ ત્યારે તેની પાસે પૈસા ન હતા કે તે ઓડિશન આપી શકે. મિત્રોએ તેને ઇન્ડિયન આઇડલ ૧૧ માટે ઓડિશન આપવાનું કહ્યું.