વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત પ્રથમ મેચ હાર્યું… ૩૬૦ પોઈન્ટ્સ સાથે અવ્વલ નંબરે

355

વેલિંગ્ટન,તા.૨૪
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ મેચ હાર્યું છે. ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતને ૧૦ વિકેટે હરાવી ૨ ટેસ્ટની સીરિઝમાં ૧-૦ની લીડ મેળવી છે. આ મેચ જીતવા બદલ કિવિઝને ૬૦ પોઈન્ટ્સ મળ્યા છે. તેઓ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ૧૨૦ પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. જો તેઓ ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટ પણ જીતે તો તેમના ૧૮૦ પોઈન્ટ્સ થઇ જશે. તેમજ તે સાથે તેઓ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા ક્રમે આવી જશે.
આ ભારતની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આઠમી મેચ હતી. તેઓ અગાઉની સાતમાંથી સાત ટેસ્ટ જીત્યા હતા. આ હાર છતાં તેઓ ૩૬૦ પોઈન્ટ્સ પ્રથમ સ્થાને છે. તેમજ ઓસ્ટ્રેલિયા કરતા ૬૪ પોઈન્ટ્સ આગળ છે. ઓસ્ટ્રેલિયા ૨૯૬ પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને, ઇંગ્લેન્ડ ૧૪૬ પોઈન્ટ્સ સાથે ત્રીજા અને પાકિસ્તાન ૧૪૦ પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે.
શ્રીલંકા ૮૦ પોઈન્ટ્સ સાથે છઠ્ઠા સ્થાને છે. જ્યારે દક્ષિણ આફ્રિકા ૨૪ પોઈન્ટ્સ સાથે સાતમા સ્થાને છે. વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ અનુક્રમે ૨ અને ૩ ટેસ્ટ રમ્યા છતાં હજી સુધી ખાતું ખોલી શક્યા નથી. તેઓ શૂન્ય પોઈન્ટ્સ સાથે આઠમા અને નવમા ક્રમે છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલઃ
ક્રમ ટીમ મેચ જીત્યું પોઈન્ટ્સ
૧ ઇન્ડિયા ૮ ૭ ૩૬૦
૨ ઓસ્ટ્રેલિયા ૧૦ ૭ ૨૯૬
૩ ઇંગ્લેન્ડ ૯ ૫ ૧૪૬
૪ પાકિસ્તાન ૫ ૨ ૧૪૦
૫ ન્યૂઝીલેન્ડ ૬ ૨ ૧૨૦
૬ શ્રીલંકા ૪ ૧ ૮૦
૭ દક્ષિણ આફ્રિકા ૭ ૧ ૨૪
૮ વેસ્ટ ઇન્ડિઝ ૨ ૦ ૦
૯ બાંગ્લાદેશ ૩ ૦ ૦

Share Now