૨૧.૮૦ લાખની છેતરપિંડીના કેસમાં બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ

349

વડોદરા,તા.૨૪
૨૧.૮૦ લાખની છેતરપિંડીના કેસમાં વારસીયા પોલીસે બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની વાપીમાંથી ધરપકડ કરી છે અને પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી ૨૧.૮૦ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા ૩ વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી. છેવટે પોલીસે પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની વાપીમાંથી ધરપકડ કરી છે.
બગલામુખી મંદિરના પાંખડી પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ અને પુરૂષો સાથે ગરબા રમતો વીડિયો વાયરલ થયો હતો. તે પહેલા પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત પ્રશાંત ઉપાધ્યાય સામે તેના અનુયાયીઓએ અનેક આક્ષેપો કર્યાં હતા.

Share Now