મુંબઈ,તા.૨૫
પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર ‘પૃથ્વીરાજ’ ફિલ્મથી તેનું ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મના સેટ પરથી માનુષીએ તેની ડૂડલ બનાવવાની કલા દેખાડી હતી. ફિલ્મમાં તે રાજકુમારી સંયોગિતાના રોલમાં છે. માનુષીનું કહેવું છે કે, ‘હું છેલ્લા થોડા સમયથી ડૂડલિંગ કરું છું અને જ્યારે પણ મને ચાન્સ મળે છે તો આના મારફતે મારી ક્રિએટિવ સાઈડ શોધું છું. મારી પાસે બ્લેકબોર્ડ અને ચોક હોય છે એટલે બ્રેક દરમ્યાન મને સેટ પર ડૂડલ બનાવવા ગમે છે.’
માનુષીએ જણાવ્યું કે, ‘મારા ડિરેક્ટરે મને કહ્યું હતું કે એક વાત ખાસ યાદ રાખજે કે તું રાજકુમારી સંયોગિતા છે અને તારે એક સિંહણની જેમ ગર્જના કરવી જોઈએ. તેમની આ વાત મારા દિમાગમાં બેસી ગઈ. સેટ પર મેં મારા ડિરેક્ટરના વિઝનને ચેનલાઈઝ કરવાની કોશિશ કરી. આ એક પાવરફુલ લાઈન છે. આ રાજકુમારી સંયોગિતાના સંકલ્પ, તેની ભાવના અને સાહસને દર્શાવે છે. આનાથી મને ખબર પડી કે મારે કઈ રીતે તેમને અને તેમના જીવનનને પડદા પર રજૂ કરવાનું છે.’