બાંગ્લાદેશે ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેને ૧૦૬ રનથી હરાવ્યું, મુશફિકુરે ફટકારી બેવડી સદી

376

ઢાકા,તા.૨૫
યજમાન બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેની ટીમ વચ્ચે ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઇ હતી. આ ટેસ્ટ મેચને બાંગ્લાદેશની ટીમે મોટા અંતરથી જીતી લીધી છે. પરંતુ ૪૫૦ દિવસ બાદ બાંગ્લાદેશની ટીમે કોઈ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા હાંસિલ કરી છે. બાંગ્લાદેશે ઢાકા ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેને ઈનિંગ અને ૧૦૬ રનથી પરાજય આપ્યો છે.
આ મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમે તેને ૨૬૫ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ ઇનિંગમાં કેપ્ટન ઇરવાઇને ૧૦૭ રન ફટકાર્યા જ્યારે, પ્રિન્સ મસ્વૌરએ ૬૪ રનનું યોગદાન આપ્યું હતું. તો બાંગ્લાદેશની ટીમ તરફથી અબુ જાયદ અને નયીમ હસને ૪-૪ વિકેટ પોતાના નામે કરી હતી, જ્યારે બે વિકેટ તઇજુલ ઇસ્લામે પોતાના નામે કરી હતી.
બીજીતરફ ઝિમ્બાબ્વેના ૨૬૫ રનના જવાબમાં બાંગ્લાદેશની ટીમે ૧૫૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૫૬૦ રન બનાવ્યા અને દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશને પ્રથમ ઈનિંગના આધારે ૨૯૫ રનની લીડ મળી હતી. મુશફિકુર રહીમે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારતા ૩૧૮ બોલમાં અણનમ ૨૦૩ રન બનાવ્યા હતા. આ મેચમાં તે બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.
તો કેપ્ટન મોમિનુલ હકે ૨૩૪ બોલમાં ૧૩૨ રન બનાવ્યા હતા, જ્યારે નજમુલ હુસૈને ૭૧ અને વિકેટકીપર લિટન દાસે ૫૩ રનનું યોગદાન આપ્યું હતું. તો ૨૯૫ રનની લીડનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ બીજી ઈનિંગમાં માત્ર ૧૮૯ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ બાંગ્લાદેશે આ એકમાત્ર મેચ ઈનિંગ અને ૧૦૬ રને જીતી હતી. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં નયીમ હસને ૫ વિકેટ અને તઇજુલ ઇસ્લામે ૪ વિકેટ ઝડપી હતી.

Share Now