દુબઈ,તા.૨૫
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ આઇસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની શેફાલી વર્મા વિરોધીઓ પર ભારે પડી રહી છે. ૧૬ વર્ષની શેફાલી વર્મા આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં સૌથી વધારે સિક્સર ફટકારી ચૂકી છે. ભારતની સતત જીતમાં તેની આ ઇનિંગ્સની મહત્વની ભૂમિકા છે. કદાચ આ જ કારણ છે કે આઇસીસી એ બે મેચો બાદ જ તેને સુપરસ્ટાર માની લીધી છે. ક્રિકેટની આ સર્વોચ્ચ સંસ્થાએ શેફાલીનો એક વીડિયો પણ શેર કર્યો છે.
શેફાલી વર્માએ સોમવારે બાંગ્લાદેશ વિરૂદ્ધ ૩૯ રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં ૪ સિક્સર અને ૩ ફોર ફટકારી. તેની સ્ટ્રાઇક રેટ ૨૨૯.૪૧ રહી. ભારતે આ મેચ ૧૮ રનથી જીતી લીધી અને શેફાલીને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પંસદ કરવામાં આવી. શેફાલીએ આ પહેલા ભારતની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૧૫ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા, જેમા પાંચ ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.
શેફાલીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ સિક્સર કવર અને બીજી મિડવિકેટ પર મારી. બાદમાં તેણે લોંગઓફ પર પણ બે સિક્સર ફટકારી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શેફાલીની આ ઇનિંગ બાદ એક વીડિયો શેર કર્યો. જેમા શેફાલીના તમામ સારા શોટ દેખાડવામાં આવ્યા છે. આઇસીસીએ લખ્યુ શેફાલી સુપરસ્ટાર.