ચેઈન સ્નેચરોનો પીછો કરતા યુવાનને પગ મારી મોપેડ પરથી ફેંકી દેતા ઘાયલ

350

સુરત,તા.૨૫
વેસુ વીઆઇપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર નજીક અલથાણ ગાર્ડનની બાજુમાં આવેલા ર્સ્ટલીંગ એવન્યુમાં રહેતો રવિ અમૃત પટેલ (ઉ.વ. ૩૦) ગત રોજ રાત્રે ૯ વાગ્યાના અરસામાં ઘરેથી મોપેડ લઇ કામ અર્થે બહાર જવા નીકળ્યો હતો. દરમ્યાનમાં ર્સ્ટલીંગ એવન્યુના ગેટ સામે પલ્સર મોટરસાઇકલ પર બે સ્નેચરો ધસી આવ્યા હતા. જે પૈકી પાછળ બેસેલા સ્નેચરે રવિએ ગળામાં પહેરેલી સોનાની ૬ તોલા વજનની ચેઇન આંચકી મોટરસાઇકલ પુર ઝડપે હંકારી મુકી હતી. જેથી રવિએ બહાદુરીપૂર્વક સ્નેચરોનો પીછો કર્યો હતો.
રવિએ અંદાજે એકથી દોઢ કિલોમીટર સુધી સ્નેચરોનો પીછો કરતા પકડાય જવાના ડરના માર્યા સ્નેચરોએ ચાલુ મોટરસાઇકલે ચપ્પુ વડે રવિને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવા છતા પણ તેણે હિંમ્મત હારી ન્હોતી અને પીછો કરવાનું ચાલુ રાખ્યું હતું. જેથી સ્નેચરોએ ચાલુ મોટરસાઇકલે મોપેડને પગ મારતા રવિએ મોપેડ પરનું બેલેન્સ ગુમાવ્યું હતું અને તે રોડ પર પટકાયો હતો અને તેને હોઠ અને હાથ પર ઇજા થઇ હતી.
ઘટના અંગે રવિએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Share Now