ન્યુ દિલ્હી,તા.૨૫
બ્રોડબેન્ડ પ્રોવાઈડર હ્યુજેસ નેટવર્ક સિસ્ટમે ભારતમાં તેનો કારોબાર બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે જો દૂરસંચાર વિભાગ તરફથી બળજબરીપૂર્વક એજીઆર ચૂકવણી માટે દબાણ કરવામાં આવશે તો કંપની ભારતમાં તેનો કારોબાર બંધ કરી દેશે. હગ્સ કંપની ઈકોસ્ટારની સહાયક કંપની છે, જેના પર આશરે રૂપિયા ૬૦૦ કરોડની એજીઆર રકમ બાકી છે. કંપની પર એજીઆર રકમ તેની કુલ સંપત્તિથી બમણી છે, જ્યારે તેની આવક લગભગ ત્રણ ગણી છે.
જો હ્યુજેસ ભારતમાં તેનો કારોબાર બંધ કરી દેશે તો તેનાથી ભારતીય નૌકાદળ અને આર્મીના સેટેલાઈટ કોમ્યુનિકેશન પર સીધી જ અસર થશે. આ સાથે તેને લીધે બેંક્નિગ સેવાને પણ અસર થશે. દૂર સંચાર વિભાગને લખવામાં આવેલા એક પત્રમાં હ્યુજેસે કહ્યું છે કે સરકારની મદદ વગર કંપની ખતમ થઈ જશે. હ્યુજેસ ૨૫ વર્ષ જૂની ટેલિકોમ કંપની છે. હ્યુજેસ ભારતમાં ઉદારીકરણના સમયમાં વર્ષ ૧૯૯૦માં ભારતમાં આવેલી કંપની પૈકીની એક છે. કંપની બંધ થવાથી દેશભરમાં આશરે ૨૦ હજાર પેટ્રોલ પંપ અને આશરે ૭૦,૦૦૦ બેંક્નિગ, એટીએમ બંધ થઈ શકે છે. આ સાથે ભારતનેટ અંતર્ગત આવતી હજારો ગ્રામ પંચાયત પર અસર થશે. કંપનીએ કહ્યું છે કે જો સરકારની મદદ મળશે તો ભારતમાં ગ્રાહકોને તે પોતાની સેવાઓ આપતી રહેશે.