વુહાન,તા.૨૫
ચીનમાં મંગળવારે કોરોના વાઈરસના વધુ ૫૦૮ નવા કેસ નોંધાયા છે. બીજીબાજુ આ વાઈરસ વિશ્વના અન્ય દેશો માટે મોટો ભય બની રહ્યો હોય તેમ એશિયા, મધ્ય પૂર્વ તથા યુરોપના દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે. ચીનમાં વધુ ૭૧ લોકોના મોત થયા છે, જે પૈકી એકલા વુહાનમાં જ ૬૮ લોકોના મોત થયા છે. આ સાથે કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારનો આંક ૨,૬૬૩ થયો છે જ્યારે આ વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૭૭,૬૫૮ થઈ છે. દક્ષિણ કોરિયામાં પણ વધુ ૬૦ કેસ નોંધાતા વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ૮૯૩ થઈ છે.
અન્ય દેશોની વાત કરીએ તો જાપાનમાં કોઈ નવો કેસ નોંધાયો નથી પણ ડાયમંડ પ્રિન્સિસ શિપ ચોથા મુસાફરનું મોત થયું છે. વોશિંગ્ટન અને સેઉલ કોરોનાના ભયની સ્થિતિને જોતા દક્ષિણ કોરિયા મિલિટરીમાંથી ઓછામાં ૧૩ જેટલા કેસ સામે આવતા તાલીમ બાદ સૈનિકોને પાછા બોલાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા તરફથી સંભવિત ભય સામે દક્ષિણ કોરિયામાં અમેરિકા ૨૮,૦૦૦થી વધારે સૈનિકોનું એક લશ્કરી થાણુ ધરાવે છે.
દરમિયાન ભારતના બે દિવસના પ્રવાસ પર રહેલા ટ્રમ્પે ટ્વિટ કરી જણાવ્યું હતું કે અમેરિકા કોરોના વાઈરસથી સંપૂર્ણ સુરક્ષિત છે અને કોરોના વાઈરસની ચિંતાને લીધે શેરબજારમાં જે મોટો ઘટાડો થયો હતો તેમાં હવે મને સુધારો જોવા મળશે. અમેરિકામાં કોરોના વાઈરસ અંકૂશમાં છે. અમે દરેક વ્યક્તિ તથા તમામ સંબંધિત દેશોના સંપર્કમાં છીએ. સીડીસી અને વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ દિશામાં સખત કામ કરી રહ્યું છે.
કુવૈતના નાગરિક સત્તાવાળાઓએ કોરોના વાઈરસની ચિંતા વચ્ચે ઈરાક સાથેની હવાઈ સેવા સંપૂર્ણપણે બંધ કરી દીધી. કુવૈત હેલ્થ મંત્રાલયની સૂચનાથી આ નિવેદન આપવામાં આવ્યા છે.
ઈટાલીના પ્રધાનમંત્રી ગીયુસેપ ગોન્ટે કહ્યું છે કે કોરોના વાઈરસની અર્થતંત્ર પર ગંભીર અસર થઈ શકે છે. અત્યારની અમારી ગણતરી પ્રમાણે તેની અર્થતંત્ર પર નકારાત્મક અસર થશે. અલબત હજુ અમે આ અંગે કોઈ ચોક્કસ આગાહી કરી શકીએ તેમ નથી.