ટ્રમ્પની સીએનએનના પત્રકાર સાથે ઉગ્ર દલીલબાજીઃ અમેરિકી રાષ્ટ્રપતિએ ચેનલની ઈમાનદારી ઉપર સવાલ ઉઠાવ્યા

326

ટ્રમ્પે કહ્યુ…સીએનએનનો રેકોર્ડ એટલો ખરાબ છે કે તમને ખુદને શરમ આવવી જોઈએઃ પત્રકારે સામુ કહ્યું… મને મારી સંસ્થા માટે કોઈ શર્મિંદગી નથી

નવી દિલ્હી, તા. ૨૬ :. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદમાં ગઈકાલે અહીં તેમની અને સીએનએનના પત્રકાર જીમ અકોસ્ટા વચ્ચે તડાફડી બોલી ગઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ આ ટીવી નેટવર્કની ઈમાનદારી ઉપર સવાલ ઉઠાવ્યા તો બન્ને વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી. અકોસ્ટાએ ટ્રમ્પને પૂછયુ હતુ કે શું તેઓ આગામી અકિલા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઈપણ વિદેશી હસ્તક્ષેપને નકારવાનો સંકલ્પ લેશો ? તેમણે નવા કાર્યવાહક રાષ્ટ્રીય ગુપ્તચર વડાની નિયુકિતના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે જેમને ગુપ્તચર બાબતોનો અનુભવ નથી. જવાબમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે હું કોઈ દેશ પાસેથી મદદ નથી  ઈચ્છતો અને મને કોઈ દેશથી મદદ નથી મળતી. ટ્રમ્પે સીએનએન દ્વારા પાછલા દિવસોમાં એક ખોટી માહિતી જારી કરવા પર ખેદ જતાવવામાં આવ્યો તેનો પણ ઉલ્લેખ કર્યો. જવાબમાં અકોસ્ટાએ કહ્યુ હતુ કે રાષ્ટ્રપતિ મહાશય, મને લાગે છે કે અમારો સત્ય બતાડવાનો રેકોર્ડ તમારા રેકોર્ડ કરતા ઘણા સારો છે. બન્ને વચ્ચે દલીલ વધવા લાગી અને ટ્રમ્પે કહ્યુ હતુ કે હું તમને તમારા રેકોર્ડ અંગે જણાવુ છું. તમારો રેકોર્ડ એટલો ખરાબ છે કે, તમને એના પર શરમ આવવી જોઈએ.  જવાબમાં પત્રકાર અકોસ્ટાએ કહ્યુ હતુ કે મને કોઈ પણ બાબત પર શરમ નથી આવતી અને અમારી સંસ્થા પણ શરમ નથી અનુભવતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ સીએનએન પર પ્રસારણના  મામલામાં સૌથી ખરાબ રેકોર્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે અકોસ્ટા અને ટ્રમ્પ વચ્ચે અગાઉ પણ અનેક વખત જીભાજોડી થઈ છે. વ્હાઈટ હાઉસે ૨૦૧૮માં અકોસ્ટાના પ્રેસ પાસને સસ્પેન્ડ કર્યો હતો અને તેમને પ્રવેશબંધી ફરમાવવામાં આવી હતી. ટીવી નેટવર્કે બાદમાં વ્હાઈટ હાઉસ પર કેસ કર્યો જે પછી એક ન્યાયધીશે એ પત્રકારના પાસને બહાલ કર્યો હતો. પત્રકાર અકોસ્ટા સીએનએન તરફથી વ્હાઈટ હાઉસને કવર કરતા મુખ્ય પત્રકાર છે.

Share Now