બાલાકોટ એર સ્ટ્રાઈકને એક વર્ષ પૂર્ણ થયું: એરફોર્સ ચીફ મિગ-21 ઉડાવશે
એજન્સી, નવી દિલ્હી
એક વર્ષ પહેલા બરાબર આજના જ દિવસે એટલે કે 26મી ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે એર સ્ટ્રાઈક કરીને પુલવામા હુમલાનો બદલો લીધો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં સીઆરપીએફની બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશભરના લોકો ગુસ્સામાં હતા અને ચૂંટણી પણ નજીક હતી. તપાસ દરમિયાન આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાની વાત સાબિત થઈ હતી.
ત્યારબાદ 26 ફેબ્રુઆરી એટલે કે પુલવામા હુમલાના આશરે બે અઠવાડિયા બાદ વાયુસેનાએ મધ્ય રાત્રીએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક હુમલો કર્યો હતો. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ સેન્ટરને નેસ્તનાબૂદ કરી દીધું હતું. આ હુમલાના સૂત્રધાર રહેલા તત્કાલીન વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆ અને વર્તમાન એર ફોર્સ ચીફ આરકેએસ ભદોરિયાએ આ અંગેની માહિતી દેશવાસીઓ સમક્ષ જાહેર કરી હતી.
બાલાકોટ એર સ્ટ્રાઈકને આજે 26 ફેબ્રુઆરીના રોજ એક વર્ષ પૂર્ણ થવાના અવસર પર ભદોરિયાએ કહ્યું કે, ‘યુદ્ધ એ જરૂર હોય ત્યારે વર્દીધારી યોદ્ધાઓના સામૂહિક સાહસ અને પ્રયત્નોના આધાર પર લડવામાં આવે છે. બાલાકોટ એર સ્ટ્રાઈક સીમા પાર જઈને આતંકવાદની વિરોધમાં ભારતની નીડર કાર્યવાહીથી મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો છે. આ કાર્યવાહીને પારંપારિક લડાઈથી વિશેષ એર પાવરના ઉપયોગની રણનીતિ બદલી દીધી છે. અમે દુશ્મનોને એક સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે હવે તેમની કોઈ પણ નાપાક કરતૂતને ભારત સાંખી નહીં લે. હવે દુશ્મનો સમજી ગયા છે ભારત કોઈ પણ અટકચાળો સહન નહીં કરી લે. ભારતીય સેના ઘરમાં ઘુસસે પણ ખરી અને મારશે પણ ખરી. અમે દરેક પ્રકારના યુદ્ધ માટે તૈયાર છીએ.’