સુરત,તા.૨૬
સુરતની ધરતી જાણે જૈન સમાજ માટે પ્રવિત્ર ભૂમિ બની ગઈ છે, કારણ કે હજુ ૧૦૮ દીક્ષાને ગણતરીના દિવસો થયા છે ત્યારે વધુ એક દીક્ષા સમારંભ સુરતના આંગણે યોજાયો હતો. ડાયમંડ જ્વેલરીના વેપારી પ્રણયભાઇ મહેતાના ૧૩ વર્ષીય પુત્ર નિધાને દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.
આચાર્ય ગુણરત્નસૂરિ મહારાજની નિશ્રામાં ૪૫૦માં મુમુક્ષુનો દીક્ષા સમારોહ આજે સુરતમાં યોજાયો હતો. સુરતની સેવન ડે શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતા નિધાન પ્રણયભાઇ મહેતા ભણવામાં હંમેશા ટોપ ફાઇવમાં રહેતો હતો. નિધાન ભણવાની સાથે સાથે ક્રિકેટનો પણ શોખીન છે.નિધાનના પિતા હીરા વેપાર સાથે સંકળાયેલ છે.
ત્યારે નિધાન કહે છે કે કેટલીક વાર તેમના વેપારમા મંદી આવતા હીરાની ચમક ઓછી થતા જોઈ છે, પણ જો કોઈ વ્યક્તિ સંયમના માર્ગે પ્રયાણ કરે છે ત્યારે તેની ચમક ઓછી થવાને બદલે વધતી જાય છે. આ જ કારણે તેણે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું. નિધાનના દીક્ષા સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયાં હતાં.