સુરત,તા.૨૬
કીમના ઝાડી જંગલમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં શ્રમજીવી મહિલા મળી આવી હતી. ત્યારબાદ મહિલાને ૧૦૮ની મદદથી સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, પતિ અવાર નવાર માર મારતો રહે છે. આજે સવારે કામ પર જતા સમયે ઝાડી જંગલમાં લઈ જઈને ફટકાથી માર માર્યો હતો અને તડફડતી હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે, કોસંબા પાટીયા પાસે મૂળ યુપીની શ્રમજીવી મહિલા પતિ અને પુત્ર સાથે રહે છે. પતિ બેકાર છે અને પત્નીના ચારિત્ર્ય પર શંકાને લઈને અવાર નવાર મારઝૂડ કરતો હતો. દરમિયાન સવારે કામ પર જતી પત્નીને કીમ નજીક ઝાડી જંગલમાં લઈ જઈને પતિએ ફટાકાથી માર માર્યો હતો. ત્યારબાદ તડફડતી હાલતમાં પત્નીને પતિ છોડીને ફરાર થઈ ગયો હતો. લાચાર અને દર્દથી પીડિત મહિલાની ચિચયારી સાંભળી રાહદારી મદદે દોડી આવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ની મદદથી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલ ખસેડાયેલી મહિલાએ વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, ચારીત્ર્ય પર શંકા રાખી પતિ અવાર-નવાર માર માર્યા કરે છે. ત્યારબાદ ભાગી જાય છે. કામ પર કેમ જાય છે કહીં માર માર્યા કરે છે. અત્યાચારી પતિથી પોલીસ પણ થાકી ગઈ છે.