ચોટીલા, માધવપુર અને માંગરોળમાં પ્રથમવાર સિંહની વસ્તી ગણતરી કરાશે

382

ગીર,તા.૨૬
એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી આગામી મે માસમાં યોજાનાર છે. આ માટેની તૈયારીઓ વનવિભાગે શરૂ પણ કરી દીધી છે. દરમિયાન છેક પીસીસીએફથી લઇને બીટ ગાર્ડ સ્તરે જુદી જુદી કામગીરી હાથ ધરાશે. આ વખતે તેમાં નવા વિસ્તારોનો ઉમેરો પણ થનાર છે. તાજેતરમાં જ સિંહો રાજકોટના સીમાડા ઓળંગીને ચોટીલા સુધી પહોંચી ગયા હતા. આથી આ વખતે સિંહોની વસ્તી ગણતરીમાં ચોટીલાનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત છેલ્લા ૫ વર્ષ દરમિયાન માધવપુર (ઘેડ)થી લઇ માંગરોળ પંથકમાં પણ વારંવાર સિંહો જોવા મળ્યા છે. તો માણાવદર તાલુકામાં પણ માધવપુર પહોંચેલા સિંહોના ગૃપે રાતવાસો કર્યો હતો. ત્યાં સુધીમાં સિંહોએ વળી નવા વિસ્તારમાં પ્રસ્થાન કર્યું હશે તો તેનો પણ વનવિભાગે સમાવેશ કરવો પડશે. આ વખતે અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ નવા ડિવીઝનો અસ્તિત્વમાં આવી ગયા છે. તાજેતરમાં છેક પીપાવાવ પોર્ટ સુધી પણ સાવજો પહોંચી ગયા છે.
બપોરે ૩ વાગ્યે સક્કરબાગ ઝૂ ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યોજાઇ હતી. જેમાં સિંહોની વસ્તી ગણતરીની તૈયારી અંગે ચર્ચા થઇ હોવાની વાતો વહેતી થઇ હતી. જોકે અધિકારીઓએ આ અંગે મૌન સેવ્યું હતું. દરમિયાન આ બેઠકમાં દીપડાઓની રેવન્યુ વિસ્તારમાં રંજાડ અને માનવી પર હુમલાને લગતા મુ્દાઓની પણ ચર્ચા કરાઇ હતી.

Share Now