એનઆરઆઈનાં બંધ મકાનમાં ૮૮ હજારની મત્તા લઇ તસ્કરો ફરાર

324

બીલીમોરા,તા.૨૬
ગણદેવીના અનાવિલ વાડી નજીક આવેલ સંસ્કારધામ સોસાયટીના એનઆરઆઇના બંધ મકાનમાં તસ્કરોએ તાળું તોડી પ્રવેશી કબાટ તોડી તેમાં મુકેલા ૪૧ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ.૬૦ હજાર અને રૂ. ૨૮ હજારના રોકડા ચોરી હાથફેરો કરી ગયાં હતાં. પોલીસે ડોગ સ્કવોડ, સીસીટીવી અને એફએસએલની મદદથી ચોરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે.
ગણદેવી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર શંકરભાઇ બાબુભાઇ પટેલ (રહે. વડસાંગળ, તા.ગણદેવી)એ ગણદેવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના ભાઈ જેઓ હાલ અમેરિકા રહે છે. તેઓનું અનાવિલ સંસ્કાર ધામ સોસાયટીમાં ઘર આવેલુ છે, જેની સારસંભાળ શંકરભાઇ બાબુભાઈ પટેલ કરે છે. દરમિયાન સવારે શંકરભાઇ રાબેતા મુજબ તેમની નોકરી અર્થે નવસારી ગયા હતા. જ્યાં તેમના પર અનાવિલ સંસ્કારધામ સોસાયટીના તેમના ભાઈના ઘરની બાજુમાં રહેતા પાડોશીનો ફોન આવ્યો હતો કે તેમના ભાઈના ઘરનું બારણાનું તાળુ તૂટેલુ છે અને તેમાં ચોરી થઈ હોવાની શકયતા જણાવી હતી.
શંકરભાઇ તુરંત તેમના ભાઈના ઘરે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે જોયું તો ઘરનું બારણાનું તાળું તૂટેલું જણાયું હતું, જેથી તેમણે ગણદેવી પોલીસ અને તેમના પરિવારના સભ્યો જાણ કરી હતી. જ્યાં ઘરમાં પ્રવેશી તેમના અમેરિકા રહેતા ભાઈનો સંપર્ક કરતા તેમના જણાવ્યાનુસાર મકાનમાં તપાસ કરતાં ચોરોએ ઘરમાં ઘરનું તાળુ તોડી ઘરમાં પ્રવેશી કબાટ તોડી તેમાં મુકેલ ૪૧ ગ્રામ ના સોનાના દાગીના કિંમત રૂ.૬૦ હજાર અને રોકડા રૂ.૨૮ હજાર ચોરી કરી ગયા હોવાનું જણાયુ હતું.

Share Now