દારૂના રવાડે ચડેલા યુવાને પત્ની સાથે ઝઘડો કર્યા બાદ આપઘાત કર્યો

301

વડોદરા,તા.૨૬
વાડી વિસ્તારના ભાટવાડામાં દારૂના રવાડે ચઢી ગયેલા યુવાને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને આપઘાત કરી લીધો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ભાટવાડા ખોડીયાર માતાના મંદિર પાસે રહેતો સંદિપ રમેશભાઇ પટણી(૩૪) રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સંદિપ છેલ્લા કેટલાક સમયથી દારૂના રવાડે ચઢી ગયો હતો. વધુ પડતા દારૂના સેવનથી તેના ફેફસા ઉપર માઠી અસર પહોંચી હતી. અગાઉ બે-ત્રણ વખત હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો. આમ છતાં દારૂ પીવાનું બંધ કર્યું ન હતું. દારૂ પીને સંદિપ ઘરે જતો હોવાથી અવાર-નવાર પત્ની અને પરિવાર સાથે ઝઘડા થતાં હતા.
મોડી સાંજે સંદિપ દારૂ પીને ઘરે જતાં પત્ની સાથે ઝઘડો થયો હતો. પત્ની સાથે ઝઘડો થયા બાદ સંદિપ મકાનના બીજા રૂમમાં જતો રહ્યો હતો. અને પંખાના હુક સાથે દોરડાથી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ વાડી પોલીસને થતાં પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. વાડી પોલીસે આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share Now