વડોદરા,તા.૨૬
વડોદરા ગ્રામ્ય એસીબીને મળેલી ફરિયાદ પ્રમાણે ફરીયાદી પોતાની કાર લઇને ભરૂચ ખાતે લગ્નમાં જઇ રહ્યા હતા, તે સમયે પિતાના મિત્રની ગિફ્ટ ભરૂચ ખાતે લઇ જવાની હોવાથી ફરીયાદી તે ગિફ્ટ પોતાની કારમાં મૂકીને જઇ રહ્યા હતા, તે દરમિયાન ભરૂચ-મઢુલી સર્કલ પાસે એક કારચાલકે ફરીયાદીની કાર રોકી હતી. ફરીયાદીની ગાડીમાં બેસીને પોતાની પોલીસ હોવાની ઓળખ આપી હતી અને કાર ચેક કરતાં ફરીયાદી પાસે જે ગિફ્ટ હતી તેમાં દારૂની બોટલ મળી આવી હતી, જેથી દારૂનો કેસ નહીં કરવા માટે ફરીયાદી પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂા. ૧.૨૫ લાખ રૂપિયા નક્કી કરીને ૫૦ હજાર રૂપિયા લઇ લીધા હતા. ત્યારબાદ ૭૫ હજાર રૂપિયા પૈકી ફરીયાદીએ ઓછા કરવા કહેતા ૨૫ હજાર રૂપિયા ઓછા કરીને બાકીના ૫૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.
લાંચના રૂપિયા ફરીયાદીએ આપવા ન હોવાથી એસીબીમાં ફરીયાદ કરી હતી. જેને આધારે વડોદરા ગ્રામ્ય એસીબીએ લાંચનુ છટકુ ગોઠવતા દહેજ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ બાબુભાઇ મિસ્ત્રી(રહે, બી-૩૯, અયોધ્યાનગરી, ઝાડેશ્વર રોડ, ભરૂચ)ના કહેવાથી ધર્મેશ લાલજીભાઈ રાવળ(રહે, નવાબજાર, કરજણ)ને ૫૦ હજારની લાંચ લેતા ઝડપી પાડયો હતો. એસીબીએ ધર્મેશ રાવળની ધરપકડ કરી હતી. પરંતુ હેડ કોન્સ્ટેબલ મનીષ મિસ્ત્રી ભાગી છૂટયો હતો.