અમદાવાદ,તા.૨૬
અમદાવાદ શહેરી વિકાસ મંડળની ૨૮૧મી બેઠક આજે મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ ઔડાના ચેરમેન વિજય નેહરાએ કર્યું હતું. બુધવારે મળેલી આ બેઠકમાં રૂ. ૯૨૯ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. બેઠકમાં બજેટ ઉપરાંત અનેક ટીપી સ્કીમ મંજુર કરવામાં આવી હતી. નવી ટીપી સ્કીમ જે ઔડા દ્વારા બનાવાઈ રહી છે તેમાં હવે આખી ટીપી સ્કીમના રસ્તા એક સાથે ખોલી એક જ ટેન્ડર દ્વારા રોડ, ડ્રેનેજ, લાઈટ અને પાણીની લાઈન હવેથી નાખવામાં આવશે. ત્રણ ટીપી સ્કીમમાં આ આયોજન કરવામાં આવ્યું છે. અન્ય ટીપી સ્કીમમાં ૧૦૦ નવા રસ્તા બનાવાશે.
ભાટ કેનાલ, ઘુમા રેલવે ફાટક અને ભાટ એપોલો હોસ્પિટલ નજીક નવા બ્રિજ બનાવાશે. સનાથલ, શાંતીપુરા, દહેગામ, ઝુંડાલ પાસેના બ્રિજનું માર્ચ ૨૦૨૧ પહેલા લોકાર્પણ થશે. સાણંદ, ઝુંડાલ, કઠવાડા, મહેમદાવાદ અને બોપલ ૨માં ૧૦ કરોડની જોગવાઈ સાથે ૧૦૦ કરોડના ખર્ચે ૫૦૮૦ જેટલા આવાસ બનાવાશે
કલોલ, અમિયાપુર અને દહેગામના ૬૩૦ આવાસનું જૂન ૨૦૨૦માં લોકાર્પણ થશે. કાણેટી- ચેખલા, નિધરાડ, ગોધાવી વિસ્તારના લોજીસ્ટિક ઝોનમાં ૨૮૯ કરોડના ખર્ચે કોક્ન્રીટ રસ્તા બનાવાશે. સાણંદ, મહેમદાવાદ, લપકામણ, ઘુમા, ખોરજ અને સિંગરવા ખાતે ડિસેન્ટ્રલાઈઝેશન સિવરેજ સિસ્ટમ માટે ૧.૫૦ કરોડની જોગવાઈ. બોપલ વિસ્તારમાં ૭૩.૫૩ કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેકટ, રણાસણ, દહેગામ અને કુંજાડ ખાતે ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર કામગીરી માટે ૫ કરોડની જોગવાઈ કરાઈ. મહેમદાવાદમાં ૫ કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવવામાં આવશે.