CBI Vs CBI: પૂર્વ તપાસ અધિકારીએ કહ્યું- અસ્થાના વિરુદ્ધ મજબૂત પુરાવા હતા

290

પૂર્વ તપાસ અધિકારી બસ્સીએ કહ્યું વર્તમાન આઈઓ અધિકારીઓને બચાવી રહ્યા છે

એજન્સી, નવી દિલ્હી

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ના ઉચ્ચ અધિકારીઓના કેસમાં પૂર્વ તપાસ અધિકારીએ દિલ્હી કોર્ટમાં જણાવ્યું હતું કે સીબીઆઈના પૂર્વ વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધના ભ્રષ્ટાચાર કેસમાં મજબૂત પુરાવા હતા. નોંધનીય છે કે રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચાર કેસમાં તાજેતરમાં ક્લિનચીટ આપવામાં આવી હતી.

પૂર્વ તપાસ અધિકારી અજય કુમાર બસ્સીએ વિશેષ સીબીઆઈ જજ સંજૂવ અગ્રવાલને જણાવ્યું કે, પ્રવર્તમાન ઈન્ક્વાયરી ઓફિસર સતિષ ડાગર અસ્થાના તેમજ અન્ય સરકારી અધિકારીઓને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ સીબીઆઈ સ્પેશ્યલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને ક્લિન ચીટ મામલે 12 ફેબ્રુઆરીએ કોર્ટે નિરાશા વ્યક્ત કરી હતી સવાલ પૂછ્યો હતો કે સીબીઆઈના ડીએસપીની ધરપકડ કરાઈ છે ત્યારે અન્ય ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ શા માટે છૂટા ફરી રહ્યા છે. 19મી ફેબ્રુઆરીના કોર્ટે સુનાવણી દરમિયાન સીબીઆઈને સવાલ કર્યો હતો કે પૂર્વ વિશેષ ડિરેક્ટર રાકેશ અસ્થાનાનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ શા માટે કરાયો નહતો.

રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારના નામ ચાર્જશીટની 12મી કોલમમાં હતા અને તેમની 2018માં ધરપકડ કરાઈ હતી પરંતુ કેસમાં તેમને કસૂરવાર ઠેરવવા માટે પુરતા પુરાવા મળ્યા નહતા. હૈદરાબાદના વેપારી સતિષ સનાની ફરિયાદના આધારે સીબીઆઈએ અસ્થાના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 2017માં અસ્થાના દ્વારા માંસના નિકાસકાર મોઈન કુરેશી કેસની તપાસ દરમિયાન ભ્રષ્ટાચારની ફરિયાદ ઉપસ્થિત થઈ હતી.

Share Now