પેટ્રોનેટ MHB મેંગલોર ખાતે પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઈપલાઈન ધરાવે છે
એજન્સી > નવી દિલ્હી
સરકાર સંચાલિત ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)એ પેટ્રોનેટ MHB લિમિટેડને ~371 કરોડમાં ખરીદી લીધી છે. પેટ્રોનેટ MHB મેંગલોર ખાતે પેટ્રોલિયમ પ્રોડક્ટ પાઈપલાઈન ધરાવે છે. ONGC પેટ્રોનેટ MHBમાં 32.72 ટકા હિસ્સો ધરાવતી હતી અને HPCL પણ તેમાં 32.72 ટકા હિસ્સો ધરાવતી હતી. આઠ બેન્કોનું કોન્સોર્ટિયમ આ કંપનીમાં 34.56 ટકા હિસ્સો ધરાવતું હતું. ગુરુવારે ઓએનજીસીએ તેમાં વધુ 17.28 ટકા હિસ્સો ~185.38 કરોડમાં અને એચપીસીએલે પણ વધુ 17.28 ટકા હિસ્સો ~185.38 કરોડમાં ખરીદી લીધો છે. આમ, બન્નેએ મળીને કુલ ~371માં આ કંપની હસ્તગત કરી લીધી છે. હવે તેમાં એચપીસીએલનો 49.996 ટકા હિસ્સો થઈ ગયો છે અને ઓએનજીસીનો પણ એટલો જ હિસ્સો થઈ ગયો છે. HPCLએ શેરબજારને આપેલી વિગતમાં કહ્યું હતું કે આ માટે ગુરુવારે (27 ફેબ્રુઆરીએ) 8 રાષ્ટ્રીયકૃત બેન્કોના કોન્સોર્ટિયમ સાથે તેણે શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા હતા. કંપનીએ ~19.55ના શેરદીઠ ભાવે 9.48 કરોડ ઈક્વિટી શેર (17.28 ટકા) ખરીદવા માટે આ કરાર કર્યા હતા. ONGCએ પણ આ જ પ્રમાણે શેરબજારને માહિતી આપી હતી. મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)થી હાસન અને દેવાંગોંથી (બેંગલોર) સુધીના ટર્મિનલ સુધી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના પરિવહન માટે પેટ્રોનેટ MHBની સ્થાપના જુલાઈ 1998માં કરવામાં આવી હતી.