પવન કુમાર ગુપ્તાએ તેની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી
એજન્સી, નવી દિલ્હી
2012 દિલ્હી ગેંગરેપ કેસના ચાર દોષિતમાંથી એક પવન કુમાર ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. જેમાં પવન ગુપ્તાએ કોર્ટને પોતાની મોતની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી છે. પવન ગુપ્તાના વકીલ એપી સિંહે કોર્ટમાં આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, દોષિ તેની મોતની સજાને આજીવન કેદમાં બદલવા માટે કોર્ટને અપીલ કરે છે. આ ઉપરાંત ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા બજાવવા આપેલા બ્લેક વોરન્ટ સામે સ્ટે આપવાની પણ અરજીમાં માંગ કરી છે.
નિર્ભયા કેસના ત્રણ દોષિતો મુકેશ કુમાર, અક્ષય ઠાકુર અને વિનય કુમારની દયા અરજીને અગાઉ રદ કરવામાં આવી છે. મુકેશે દયા અરજી રદ કરવાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિટ પણ દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. પવને અત્યાર સુધી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી નહતી. હવે તેણે ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની અપીલ કરી છે.
શું છે ક્યૂરેટિવ પિટિશન
ક્યૂરેટિવ પિટિશનમાં દોષિ ચુકાદાના ટેક્નિકલ પાસાઓની તરફ ચિન્હિત કરે છે અને સવાલ ઉઠાવે છે કે ચુકાદામાં સુધારની જરૂર છે. પરંતુ આના માટે વરિષ્ઠ વકીલની ભલામણની જરૂર હોય છે. વરિષ્ઠ વકીલની ભલામણ વગર ક્યૂરેટિવ પિટિશન દાખલ થઈ શકતી નથી. ક્યૂરેટિવ પિટિશનની સુનાવણી ચેમ્બરમાં થાય છે. સુપ્રીમ કોર્ટ જો ક્યૂરેટિવ પિટિશન પણ રદ કરી દે છે ત્યારબાદ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી શકાય છે.