
પૂર્વ CJI કે જી બાલક્રિષ્નને કહ્યું – આવા નિર્ણયોથી લોકોમાં ગેરસમજ ઉભી થાય છે
એજન્સી, નવી દિલ્હી
કેન્દ્ર સરકારે તાજેતરમાં દિલ્હી હિંસા મામલે હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ મુરલીધરની બદલી કરતા તેનો રાજકીય સ્તરે ભારે વિરોધ જોવા મળ્યો હતો. હેટ સ્પીચ બદલ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નહીં કરવા તેમજ દિલ્હીમાં હિંસા વખતે સમયસર પગલાં નહીં લેવા માટે જજ એસ મુરલીધરે પોલીસની ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ એસ મુરલીધરની દિલ્હી હાઈકોર્ટમાંથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. આ મામલે સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કે જી બાલાક્રિષ્નને પણ ઝંપલાવતા બદલીના સમય અંગે ટિપ્પણી કરી છે.
પૂર્વ સીજીઆઈએ જણાવ્યું કે સરકારે જસ્ટિસ એસ મુરલીધરની બદલી કરવામાં કાળજી રાખવાની જરૂર હતી. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ એસ મુરલીધરની રાતોરાત બદલી કરવામાં આવતા રાજકીય પક્ષો પણ ધૂઆંપૂઆં થયા હતા. કોંગ્રેસે પણ કેન્દ્રને આડેહાથ લેતા જજની બદલીને બદલાના રાજકારણન ભાવના ગણાવી હતી. કેન્દ્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જસ્ટિસ મુરલીધરની બદલીને કોઈ કેસ સાથે લેવાદેવા નથી. સુપ્રીમ કોર્ટના કોલેજીયમ દ્વારા એક સપ્તાહ અગાઉ બદલીની ભલામણ કરવામાં આવી હતી. જો કે ત્રણ જજોની બદલીની ભલામણ કરાઈ હતી જે પૈકી પક્ત એસ મુરલીધરની જ બદલી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કે જી બાલાક્રિષ્નને આને માત્ર એક સંયોગ ગણાવ્યો તો તેમણે કહ્યું કે, અંતિમ બદલી ઓર્ડર અને કેસના ચુકાદાનો સમય ફક્ય એક સંયોગ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘કોલેજીયમ સામે જજની બદલીનો મુદ્દો ક્યારે આવ્યો તે હું નથી જાણતો.’
જસ્ટિસ કે જી બાલાક્રિષ્નના મતે જ્યારે દેશમાં સ્થિતિ અફરાફતરીની હોય અને મીડિયા સહિત અન્ય સંસ્થાઓ સક્રિય હોય ત્યારે સરકારે રાતોરાત બદલી કરવામાં થોડી કાળજી રાખવી જોઈએ. આવા નિર્ણયથી લોકોમાં ગેરસમજ ઉભી થાય તે સ્વાભાવિક છે. લોકો આવા નિર્ણયને જુદી રીતે જોતા હોય છે.
દિલ્હી હિંસાના કેસની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી એન પટેલ તે દિવસે રજા પર હોવાથી ત્રીજા સૌથી વરિષ્ઠ જજ તરીકે જસ્ટિસ એસ મુરલીધરની બેન્ચે સુનાવણી કરી હતી.
ન્યાયિક જવાબદારી અને સુધારા પર ચળવળ ચલાવી રહેલી એક એનજીઓએ પણ સરકારના આ પગલાંની ઝાટકણી કાઢી હતી અને નિડર તેમજ નિષ્ઠાવાન જસ્ટિસ એસ મુરલીધરની બદલી સજાના ભાગરૂપે કરાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.