વડાપ્રધાન મોદીએ પ્રયાગરાજમાં દિવ્યાંગોના કાર્યક્રમમાં સાધનોનું વિતરણ કર્યું
એજન્સી, પ્રયાગરાજ
વડાપ્રધાન નરેન્દ્રમ મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતે જણાવ્યું કે સમાજના દરેક નાગરિકને લાભો મળે તેમજ ન્યાય તોળાય તે સરકારની જવાબદારી છે અને આ જ તેમની સરકારનો ‘સબકા સાથ, સબકા વિકાસ તેમજ સબકા વિશ્વાસ’નો પાયો છે.
દરેક નાગરિકને લાભ મળે અને દરેક સાથે ન્યાય થાયે તે સરકારની ફરજ છે. દિવ્યાંગોને ઉપયોગી સાધનોના વિતરણ માટેના એક મેગા કેમ્પમાં હાજર રહેલા પીએમ મોદીએ આ વાત જણાવી હતી. મોદીએ જણાવ્યું કે દેશના 130 કરોડ લોકોની સેવા કરવી એ જ તેમની સરકારની પ્રાથમિકતા છે.
અગાઉની સરકારો પર પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું કે, અગાઉની સરકાર દિવ્યાંગ લોકોની દરકાર કરની નહતી. જ્યારે હાલમાં અમે જરૂરિયાતમંદ લોકોની સમસ્યા અંગે વિચાર કરીએ છીએ અને તેનું સમાધાન કરવા વિકલ્પો શોધીએ છે. અગાઉ આ પ્રકારના જૂજ કેમ્પ થતા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે દેશના જુદા જુદા ભાગોમાં 9,000 જેટલા કેમ્પ યોજ્યા છે. અગાઉની સરકારે પાંચ વર્ષમાં રૂ. 380 કરોડના સાધનો દિવ્યાંગોને આપ્યા હતા જ્યારે અમારી સરકારે રૂ. 900 કરોડથી વધુ મૂલ્યના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે. મારા મતે આ સાધનો તમારા વિશ્વાસને વધુ બુલંદ કરશે. તમારી ખરી શક્તિ એ તમારી ધીરજ, ક્ષમતા અને માનસ છે. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આ કેમ્પ દ્વારા અનેક રેકોર્ડ સ્થાપવામાં આવ્યા છે.
પીએમ મોદીએ અડધો કલાકના સંબોધનમાં તેમની સરકારની દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકો માટેની યોજનાઓ વિશે માહિતી પણ આપી હતી. તેમનીસ રકારે વિતેલા પાંચ વર્ષમાં 700થી વધુ રેલવે સ્ટેશનો અને એરપોર્ટ અને ગલીઓને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવ્યા. જે બાકી રહ્યા છે તેમને સુગમ્ય ભારત અભિયાન હેઠળ જોડવામાં આવ્યા છે. અમારી સરકારે સૌપ્રથમ વખત દિવ્યાંગોના અધિકાર માટે કાયદો ઘડ્યો છે. મોદીએ ગત વર્ષે કુંભની લીધેલી મુલાકાતને પણ વાગોળી હતી અને કહ્યું કે તીર્થરાજ પ્રયાગરાજમાં આવીને દિવ્ય ઉર્જા અને પવિત્રતાનો અનુભવ થાય છે.