વડોદરા: દાદા ભગવાન પંથના ગુરૂજી કનુદાદા અને જમાઈએ મુંબઇના વેપારી પાસે રૂ.5.54 કરોડ પડાવ્યા

330

વડોદરા, તા. 29 ફેબ્રુઆરી 2020 શનિવાર

દાદા ભગવાન પંથના ગુરૂજી કનુદાદા અને તેમના જમાઈ બિપીન પટેલ સામે મુંબઇના ઉદ્યોગપતિએ રૂ. 5.84 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ બંને સસરા-જમાઇએ મુંબઇના બીજા એક અનુયાયી વેપારી પાસે રૂ. 5.54 કરોડ ખંખેરી લેતાં બંને સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.

મુંબઇના વીપી રોડ સિક્કાનગરમાં રહેતા સ્ટીલના વેપારી સૂરજભાઇ શાહના પત્ની સરોજબેને પોલીસને કહ્યું છે કે,અમે દાદા  ભગવાન પંથના અનુયાયી હોવાથી કનુદાદાને ગુરૃજી માનતા હતા.કનુદાદા તેમની પુત્રી સોનલ,જમાઇ બિપીન પટેલ અવારનવાર અમારા ઘેર આવતા હતા.

વર્ષ-2012માં કનુદાદાએ તેમના જમાઇ બિપીન પટેલ લિક્વીડેટેડ પ્રોપર્ટીઓ છોડાવવાનું કામ કરતા હોવાથી મોટી જમીન છોડાવવા માટે રૂ.2-3 કરોડની મદદ કરવા જણાવતા અમે રૂ.5.54 કરોડ આપ્યા હતા જ્યારે,મારી પુત્રીએ 79 હજાર યુએસ ડોલર આપ્યા હતા.

સરોજબેને કહ્યું છે કે, બિપીન અને કનુદાદાએ અમોને મુંબઈ હાઇકોર્ટના હુકમો અને કલેક્ટરનો લેટર પણ બતાવ્યા હતા. જે બોગસ હોવાનું પછીથી જાણવા મળ્યું હતું. રૂપિયા મેળવવા માટે વર્ષ-2016માં કનુદાદાના વડોદરાના ઇલોરાપાર્ક આત્મજ્યોતિ આશ્રમ ખાતે સુધન એપાર્ટમેન્ટ સામે ચાર દિવસ ધરણાં પણ કર્યા હતા.આજ સુધી તેમણે અમોને માત્ર રૃા.1.60 કરોડ અને 3800 ડોલર પરત કર્યા છે.

આ વખતે હરીશ રાઠોડ અને દિવાકર શેટ્ટીએ મને નાણાં ભુલી જવાની અને તારો દિકરો દાદર કોલેજમાં જાય છે,ખબર નહીં પડે શું થશે. તેવી ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે કનુદાદા, બિપીન પટેલ (રહે.વૃન્દાવન બંગ્લોઝ,જુના પાદરા રોડ) અને હરીશ તેમજ દિવાકર સામે ગુનો નોંધ્યો છે.

Share Now