મહારાષ્ટ્રની જનતાને આ વિશે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી: પવાર
એજન્સી, મુંબઈ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવારે રવિવારના રોજ કહ્યું કે નાગરિકતા સુધારણા કાયદા (CAA), સૂચિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) પર રાજ્યના લોકોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે આ મામલે ખોટી માહિતી ફેલાવનારા લોકોની ટિકા પણ કરી હતી.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સંમેલનને મુંબઈમાં સંબોધિત કરતા અજિત પવારે કહ્યું કે CAA, NRC અને NPR વિરુદ્ધ વિધાનસભામાં કોઈ પ્રકારનો પ્રસ્તાવ લાવવાની આવશ્યકતાને પણ ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના ગૃહ મંત્રી અનિલ દેશમુખે જણાવ્યું છે કે કેટલાક લોકો આ મામલે અલગ પ્રકારની જ ચર્ચા શરૂ કરવા ઈચ્છે છે.
અજિત પવારે કહ્યું કે CAA, NRC અને NPRથી કોઈએ ડરવાની જરૂર નથી અને તેમની પાર્ટી તેમની પાર્ટી તેનું ખાસ ધ્યાન રાખશે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ નાગરિકને CAA, NRC અને NPRથી કોઈ તકલીફ ન પડે. તેમણે કહ્યું કે, શરદ પવાર તેમજ અન્ય નેતાઓએ વિશ્વાસ અપાવ્યો છે કે મહારાષ્ટ્રમાં કોઈ પણ વ્યક્તિને આનાથી કોઈ પ્રકારની તકલીફ નહીં પડે. અમે આ મામલે મહાવિકાસ અઘાડી સરકારમાં ચર્ચા કરી ચૂક્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ આ મામલામાં નાગરિકોમાં જાગૃતિ લાવવાની વાત પર ભાર મુક્યો. નોંધનીય છે કે તેમણે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મહારાષ્ટ્રને આઠ અન્ય રાજ્યોની જેમ નાગરિકતા સુધારણા કાયદાને મહારાષ્ટ્રમાં લાગુ કરવાની વાતમાં નનૈયો ભણ્યો હતો. એનસીપીના નવાબ મલિકે પણ ગયા મહિને કહ્યું હતું કે એનઆરસી મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં નહીં આવે.