– મુખ્ય ઉદેશ બેન્ક ગ્રાહકોની મૂડીને સુરક્ષિત કરવાનો છે
– બજેટ સત્રમાં બિલ પાસ થાય એવી સંભાવના
એજન્સી, નવી દિલ્હી:
દેશની કો-ઓપરેટિવ બેન્કોની નબળાઇઓ દૂર કરવા માટે તમામ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્કના નિયમો હેઠળ લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે બેન્કિંગ નિયમોમાં સુધારો કરવા માટે જરુરી બિલ બજેટ સત્રમાં પસાર કરવામાં આવે એવી સંભાવનાઓ છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ આ નિયમની મદદથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં ઉદભવેલી સ્થિતિઓને ભવિષ્યમાં રોકી શકાશે. દેશમાં કુલ 1540 સહકારી બેન્કો અસ્તિત્વમાં છે જેના ગ્રાહકોની સંખ્યા લગભગ 8.20 કરોડ છે અને આ બેન્કોમાં એમની કુલ જમાપૂંજી પાંચ લાખ કરોડ રુપિયા છે.
ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠકમાં બેન્કિંગ નિયમમાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલને સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં મંજૂરી મળે એવી આશા છે. બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરુ થઇ રહ્યો છે. જે ત્રણ એપ્રિલે પૂરો થશે.
સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો, ખાનગી બેન્કો, IL&FS જેવી નાણાકીય સેવા આપતી સંસ્થાઓ, નોન બેન્કિંગ કંપનીઓ, ઓડિટર્સ અને રેટિંગ એજન્સીઓને વધારે મજબૂત કરવાના ઇરાદાથી આ નિર્ણય લીધો છે. જેનો મુખ્ય ઉદેશ બેન્ક ગ્રાહકોની મૂડીને સુરક્ષિત કરવાનો છે.