ગુજરાત સરકારે આ ટેક્સ પેટે વેપારીઓ પાસ 18000 કરોડ લેવાના બાકી

838

ગુજરાત સરકારમાં પહેલાં સેલ્સટેક્સ, વેલ્યુએડેડ ટેક્સ (વેટ) અને હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એમ કુલ ત્રણ પ્રકારો બદલાયા છતાં રાજ્યમાં એવા એકમો અને ઉદ્યોગો છે કે જેમણે હજી સુધી સેલ્સટેક્સના બાકી નાણાં ચૂકવ્યાં નથી. માત્ર ગાંધીનગર અને અમદાવાદનો આંકડો એટલો મોટો છે કે જાણીને ચક્કર આવી જાય. આ બે શહેરોમાં વ્યાપારીઓ અને ઉદ્યોગજૂથોએ અત્યાર સુધીમાં 18000 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. આટલા રૂપિયામાં તો રાજ્યમાં બે સ્થળોએ મેટ્રોરેલનો પ્રોજેક્ટ શરૂ થઇ શકે તેમ છે.

ગાંધીનગરના કોંગ્રેસી ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભામાં પૂછેલા એક સવાલના લેખિત જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે કબૂલાત કરી હતી કે રાજ્યના ગાંધીનગરમાં 10 લાખ કરતાં વધુ બાકી વેરો હોય તેવા વ્યાપારીઓની સંખ્યા 236 થાય છે જ્યારે અમદાવાદમાં આ સંખ્યા 2921 થવા જાય છે.

નાણામંત્રીએ પેટાસવાલના જવાબમાં કહ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના કુલ 1735 એકમોએ સેલ્સટેક્સ, વેટ અને જીએસટી પેટે બાકી નિકળતા 1221.27 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. એવી જ રીતે અમદાવાદ શહેર અને જિલ્લાના 24747 વ્યાપારીઓએ ટેક્સ પેટે 16955.48 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી.

આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે આ વ્યાપારીઓ પાસેથી હજી સેલ્સટેક્સના નાણાં બાકી છે. વેટના નાણાં બાકી છે અને જીએસટીના નાણાં પણ બાકી છે. સેલ્સટેક્સ દૂર થયે વર્ષોનો સમય વિતી ગયો છતાં ઉદ્યોગજૂથો અને વ્યાપારીઓએ બાકી નાણાં ભર્યા નથી. સરકાર દર વર્ષે બાકી વેરા અંગે એમ્નેસ્ટી યોજના બહાર પાડતી હોય છે પરંતુ તેનો લાભ બઘાં વેપારીઓ લેતાં નથી. આ યોજનામાં વ્યાજમાફીની જાહેરાત હોવા છતાં 18000 કરોડ જેટલી મોટી રકમ બાકી છે.

બાકી વેરા નહીં ભરવા સામે સરકારે શું કાર્યવાહી કરી તેવા સવાલના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે વિવિધ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલા મનાઇહુકમ સિવાયના ગાંધીનગર જિલ્લામાં 1553 એકમોમાં તથા અમદાવાદ જિલ્લાના 22850 એકમોમાં ગુજરાત વેચાણવેરા, વેટ અને જીએસટી કાયદા ઉપરાંત જમીન મહેસૂલ કાયદા અન્વયે પગલાં લેવામાં આવ્યા છે.

Share Now