-ટ્રક ડ્રાઇવરો અને માલિકો દર વર્ષે 48 હજાર કરોડ રુપિયા લાંચ પેટે ટ્રાફિક કે હાઇવે પોલીસને ચૂકવે છે
-44% ડ્રાઇવરોનું માનવુ છે કે RTO પણ લાંચ લે છે
એજન્સી, નવી દિલ્હી:
ભારતમાં ટ્રક ડ્રાઇવરો અને માલિકો દર વર્ષે 48 હજાર કરોડ રુપિયાની લાંચ ટ્રાફિક કે હાઇવે પોલીસને ચૂકવતા હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. NGO સેવલાઇફ ફાઉન્ડેશનના સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રક ડ્રાઇવરોએ દર વર્ષે 48 હજાર કરોડ રુપિયા (રોજના 132 કરોડ રુપિયા) લાંચ તરીકે ચૂકવવા પડે છે. આ સર્વે 10 મુખ્ય પરિવહન અને ટ્રાન્સપોર્ટ કેન્દ્રોમાં કરવામાં આવ્યો હતો.
82%થી વધારે ટ્રક ડ્રાઇવરો અને ટ્રક માલિકોનું કહેવુ છે કે, રોડ ટ્રીપ દરમિયાન એક કે તેથી વધુ વિભાગોના અધિકારીઓને લાંચ આપવી પડે છે. આ સર્વેમાં સામેલ ટ્રાન્સપોર્ટ હબમાં ગુવાહાટી સૌથી ખરાબ સ્થિતિમાં છે, અહીંના 97.5% ડ્રાઇવરોએ દાવો કર્યો હતો કે તેમણે રોડ ટ્રીપ દરમિયાન લાંચ ચૂકવી છે. જે પછી ચેન્નાઇમાં 89% અને દિલ્હીમાં 84.4% ટ્રક ડ્રાઇવરોએ લાંચ ચૂકવી હોવાનો દાવો કર્યો હતો.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે RTO પણ લાંચ માંગે છે. 44% ડ્રાઇવરોનું માનવુ છે કે RTO પણ લાંચ લે છે. લાંચ લેવામાં દેશભરમાં બેંગ્લુરુની RTO સૌથી આગળ છે. અહી સુધી કે લગભગ 47%ડ્રાઇવરોએ એમના લાયસન્સને રિન્યુ કરાવતી વખતે લાંચ આપવાની ફરજ પડી હોવાનો ખુલાસો પણ રિપોર્ટમાં થયો છે. સરેરાશ એક ટ્રાઇવરે આ માટે 1789રુપિયા લાંચ પેટે ચૂકવ્યા છે. દેશની રાજધાની દિલ્હી પણ આ બદીથી મુક્ત નથી.
મહાનગરી મુંબઇના આશરે 93% ડ્રાઇવરો અને ટ્રક માલિકોએ દાવો કર્યો છે કે તેમણે સંજોગોવસાત લાંચ ચૂકવવાની ફરજ પડી છે.