તાલિબાને અફઘાનિસ્તાનના ૧૬ રાજ્યો પર ૩૩ હુમલા કર્યા : શાંતિ કરાર ખતરામાં

272

તાલિબાને સમાપ્ત કર્યો આંશિક યુધ્ધવિરામ : અમેરિકા છે મધ્યસ્થી

કાબુલ તા. ૪ : અફઘાનિસ્તાનમાં તાલિબાને અફઘાની સેનાના અડ્ડા પર ડઝન જેટલા હુમલા કરીને ત્રણ દિવસ જુની યુધ્ધ વિરામ સંધિને ખત્મ કરવાની કગાર પર પહોંચાડી દીધી  છે. અમેરિકી મધ્યસ્થતાથી અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચે આ સંધિ કરાવામાં આવી હતી. આ બધાની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું  કે તેઓએ તાલિબાનના અકિલા નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર સાથે ફોન પર વાત કરી. તેમની વાતચીત સકારાત્મક રહી. તાલિબાન પ્રવકતાએ પુષ્ટિ કરી. અફઘાનિસ્તાનના  ગૃહ મંત્રાલયના પ્રવકતા નસરત રાહિમીએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં  તાલિબાને અફઘાનિસ્તાનના ૩૪ પ્રાંતોમાંથી ૧૬ પર ૩૩ હુમલા કર્યા છે. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આ હુમલામાં છ નાગરિક માર્યા ગયા છે અને ૧૪ને ઇજા પહોંચી છે. જ્યારે દુશ્મન સેનાના ૮ લોકોના મોત થયા છે અને ૧૫ને ઇજા પહોંચી છે. તાલિબાને કહ્યું કે, તે આંશિક યુદ્ઘવિરામ ખતમ કરવાની સાથે અફઘાન સુરક્ષા દળો વિરુદ્ઘ આક્રમક અભિયાન ફરી શરૂ કરવા  જઈ રહ્યું છે. આ આંશિક યુદ્ઘવિરામની જાહેરાત ઉગ્રવાદીઓ અને વોશિંગ્ટન વચ્ચે સમજુતી પર સહી થતાં પહેલા થઈ હતી. પરંતુ જે રીતે તાલિબાને આંશિક યુદ્ઘ વિરામ ખતમ કરવાની વાત કહી છે તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે શું અફઘાનિસ્તાનમાં શાંતિ સમજુતીને ઝટકો લાગી શકે છે? તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ  મુઝાહિદે કહ્યું, ‘હિંસા’માં ઘટાડો… હવે પૂરો થઈ ગયો છે અને અમારૂ અભિયાન સામાન્ય રૂપથી જારી રહેશે.’ તેમણે કહ્યું, ‘અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલી સમજુતી પ્રમાણે, અમારા ઉગ્રવાદીઓ વિદેશી દળો પર હુમલો નહીં કરશે પરંતુ કાબુલ તંત્ર વાળી સેના વિરુદ્ઘ અમારૂ અભિયાન જારી રહેશે. મહત્વનું છે કે પાછલા શનિવારે અફઘાન તાલિબાન અને અમેરિકા વચ્ચે કતરના દોહામાં સમજુતી પર સહી કરી હતી. આ રીતે તે નક્કી થયું છે કે વિદેશી સેના તબક્કાવાર રીતે આગામી ૧૪ મહિનામાં અફઘાનિસ્તાન છોડી દેશે. બદલામાં તાલિબાન અફઘાન ધરતીનો ઉપયોગ કોઈ આતંકી ગતિવિધિમાં થવા દેશે નહીં, સાથે તાલિબાનના સહયોગથી અલકાયદા તથા ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકવાદી સંગઠનોમાં નવી ભરતીઓ અને તેના માટે નાણા ભેગા કરવા પર લગામ લગાવવામાં આવશે.

Share Now