ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના યુવકો પર થયેલા કેસને પરત ખેંચવાની સરકાર દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી પરંતુ હજુ પણ આંદોલનકારીઓ પર થયેલા કેસને પરત ખેંચવામાં આવ્યા નથી. કેસ પરત ખેંચવા માટે પાટીદાર સમાજના યુવકોએ હવે તમામ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને કેસ પરત ખેંચવાની રજૂઆત કરવાનો માર્ગ અપનાવ્યો છે. 2 માર્ચના રોજ પાટીદાર સમાજના યુવકો અને PAASના કાર્યકર્તાઓએ 70થી વધારે તાલુકા અને 15થી વધુ જિલ્લા મથકો પર મામલતદાર અને જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યુ હતું. આવેદન પત્ર આપતા સમયે હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા ભાજપને આતંકવાદી કહી હતી. કિંજલ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 2017માં સરકાર મોટી-મોટી વાતો કરતી હતી કે, પાટીદારો પર થયેલા કેસને પાછા ખેચીશું તે હજુ સુધી પણ પાછા નથી ખેંચવામાં આવ્યા. હજુ સુધી હાર્દિક સહિતના કેટલાક યુવકો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. અમારા પર થયેલા તમામ કેસો પરત ખેંચાય તેવી માગ સાથે અમે કલેક્ટરને આવેદન આપ્યું છે.
કિંજલે વધુમાં જણાવ્યું હતું કે, હું પણ કાયદો જાણો છું અને હું કાયદાની વિદ્યાર્થીની છું. કાયદાનું આદર સંન્માન અમે કરીએ છીએ. ભારતનો કાયદોએ એવું નથી શીખવાડતો કે, તેમે કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન કરો. દરેક વ્યક્તિએ ન્યાય પૂર્ણ રીતે જીવન જીવવું તેવું આપણો કાયદો શીખવાડે છે. અત્યારે આગોતરા જામીન માટેની કાર્યવાહી ચાલી રહી છે એટલા માટે અમે હાજરી નથી આપી રહ્યા. આગળ પણ આવાર-નવાર હાર્દિકે હાજરી આપી છે.
તેણે કહ્યું હતું કે, આ સરકારનો એક જ ધ્યેય છે કે, કોઈ પણ પ્રકારે કાયદાકીય ગુંચવણો ઉભી કરીને સરકાર હાર્દિક પટેલને હેરાન કરે. જે કેસમાં હાર્દિકને સુપ્રીમ સુધી ન્યાય માટે જવું પડે છે, તે કેસમાં જે લોકોએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે તેમને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળી જાય છે. આ કેવી લોકશાહી છે. બોમ્બ વિસ્ફોટ કરવો તે જ ફક્ત આતંકવાદ નથી, તમે કોઈ વ્યક્તિને હેરાન પરેશાન કરો, એકલો પાડી દેવાના ષડ્યંત્ર કરો એ પણ આતંકવાદ છે અને હું આ ભારતીય જનતા પાર્ટીને આતંકવાદી કહું છું.