યસ બેન્કના સ્થાપક રાણા કપૂરે પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડનુ પેઈન્ટિંગ ખરીદયુ હતુ

313

નવી દિલ્હી, તા.8 માર્ચ 2020, રવિવાર

યસ બેન્કમાં લાખો લોકોના રુપિયા અટવાઈ ગયા છે ત્યારે બેન્કના સ્થાપક રાણા કપૂર તરફ બેન્કની વર્તમાન હાલત માટે આંગળી ચિંધાઈ રહી છે.

બેન્કની હાલત માટે ભાજપ અને કોંગ્રેસ એક બીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે ત્યારે એવી સ્ફોટક વિગતો સપાટી પર આવી છે કે બેન્કના સ્થાપક રાણા કપૂરે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનુ એક પેઈન્ટિંગ બે કરોડ રુપિયામાં ખરીદયુ હતુ.

એક ચેનલે કરેલા ઘટસ્ફોટ પ્રમાણે આઈટી વિભાગ પણ હવે ઈડીની સાથે સાથે આ વાતની તપાસ કરી રહ્યો છે. જોકે હજી ખબર નથી પડી કે રાણા કપૂરે કયા ઈરાદે આ પેઈન્ટિંગ ખરીદયુ છે.

ભાજપે તરત જ આ મુદ્દે પ્રત્યાઘાત આપતા કહ્યુ છે કે, ભારતમાં દરેક આર્થિક કૌભાંડના તાર ગાંધી પરિવાર સાથે જોડાયેલા હોય છે. જેમ કે વિજય માલ્યા સોનિયા ગાંધીની ફ્લાઈટની ટિકિટ અપગ્રેડ કરતા હતા. મનમોહનસિંહ અને ચિદમ્બરમ સુધી માલ્યાની પહોંચ હતી.નિરવના જ્વેલરી કલેક્શનનુ ઉદઘાટન રાહુલ ગાંધીએ જ કર્યુ હતુ.

આશ્ચર્યની વાત એ છે કે, કોંગ્રેસે પણ આ વાતનો સ્વીકાર કરીને કહયુ છે કે, એનાથી શું સાબિત થાય છે. પ્રિયંકા ગાંધીએ કોઈ વસ્તુ વેચી હોય અને જો કોઈએ ખરીદી હોય તો ખરીદનારને જોવામાં નથી આવતો.. તેનાથી આ બેન્કના પતન સાથે પ્રિયંકા ગાંધીની કોઈ લિન્ક નથી.

Share Now