જયપુર તા. ૧૪ : કોરોના વાયરસના વધી રહેલા ચેપને રોકવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે મોટો નિર્ણય લીધો છે. રાજયમાં આગામી ૩૦મી માર્ચ સુધી સ્કૂલ, કોલેજ,કોચિંગ સેન્ટર, જિમ અને સિનેમાઘરો બંધ રહેશે.આ મામલે શુક્રવારે મોડી રાત્રે સીએમ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જે બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.સીએમ ગહલોતે કહ્યુ કે WHO અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને કારણે સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ દરમિયાન બોર્ડની પરીક્ષા અને કોલેજની પરીક્ષા પર રોક નહીં લાગે.મેડિકલ અને નર્સિંગ કોલેજોનું કામ ચાલુ રહેશે.સીએમ હાઉસમાં શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી ડોકટર રઘુ શર્મા,રાજય મંત્રી સુભાષ ગર્ગ અને એસીએસ ચિકિત્સા રોહિત કુમાર સિંહ સહિત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવ્યા બાદ બચાવ માટે શુક્રવારે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.સરકારે આ મામલે અગતચેતીના પગલાં લેતા આગામી છ મહિના સુધી ડોકટરી સેવાઓને અતિઆવશ્યક સેવા જાહેર કરી છે.સરકારે ૧૦૮ ઇમરજન્સી સેવાની સાથે સાથે ૧૦૪ જનની એકસપ્રેસ,બેઝ એમ્બ્યુલન્સ અને ૧૦૪ ટોલ ફ્રી આરોગ્ય સલાહ સેવાઓમાં હડતાલ પહેલા જ રેસ્મા લગાવી દેવામાં આવ્યો છે.આ મામલે ગૃહ વિભાગ તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો છે.અશોક ગહલોત સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજયમાં રાજસ્થાન એપેડેમિક ડિસિઝ કોવિડ ૧૯ રેગ્યુલશન ૨૦૨૦ જાહેર કર્યો છે.પ્રદેશના તમામ વિભાગોને આ એકટની સેકશન ૨,૩ અને ૪ના તમામ પાવર આપી દેવામાં આવ્યા છે.અનેક સરકાર ઓફિસોમાં બાયોમેટ્રિક હાજરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.કોરોના વાયરસના ખતરાને જોતા રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી આગામી ૨૬મી માર્ચ સુધી સ્થિગિત કરી દેવામાં આવી છે.શુક્રવારે ગૃહમાં બજેટ પાસ થયા બાદ વિધાનસભા અધ્યક્ષ ડોકટર સીપી જોશીએ કોરોના વાયરસને પગલે ૨૬મી માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની જાહેરાત કરી છે