‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દો ન વાપરો: જસ્ટિસ મુરલીધર

336

પંજાબ-હરિયાણાના જસ્ટીસ મુરલીધરની વકીલોને વિશેષ અને આશ્ચર્યજનક અપીલ

એજન્સી, ચંડીગઢ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ મુરલીધરે વકીલોને અપીલ કરતા કહ્યું કે મારા માટે ‘માય લોર્ડ’ અને ‘યોર લોર્ડશિપ’ જેવા શબ્દોનો ઉપયોગ ન કરો. સોમવારે કોર્ટ તરફથી વકીલોને આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ અગાઉ જસ્ટિસ મુરલીધરે દિલ્હી હાઈકોર્ટમાં સેવા આપતી વખતે પણ વકીલોને આવા શબ્દો નહીં વાપરવા માટે કહ્યું હતું. તાજેતરમાં જ તેમનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટમાંથી થયું છે. 6 માર્ચના રોજ તેમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરી હતી.

થોડા વર્ષ અગાઉ હાઈકોર્ટ બાર એસોસિએશનના વકીલોને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોર્ટમાં જજો માટે ‘સર’ અને ‘યોર ઓનર’ જેવા શબ્દોનો ઉપયોગ કરે. જોકે હજી સુધી કેટલાક વકીલો આ આદેશનું પાલન નથી કરી રહ્યા

જસ્ટિસ એસ મુરલીધરની ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટમાંથી પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં કરાયા બાદ વિવાદ ઉભો થયો હતો. ટ્રાન્સફરના એક દિવસ અગાઉ એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ જસ્ટિસ મુરલીધરે દિલ્હી હિંસાના મામલામાં ત્રણ ભજપના નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં મોડુ કરાયું હોવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી. એવામાં અડધી રાત્રે તેમનું ટ્રાન્સફર ઓર્ડર જાહેર થતા કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષોએ સરકાર પર ન્યાયતંત્રની સ્વતંત્રતાને ખતમ કરી દેવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ તેમના વિદાય સમારંભમાં જસ્ટિસ મુરલીધરે આવા તમામ આરોપોને ફગાવી દીધા હતા. વિદાય સમારંભમાં તેમણે જણાવ્યું હતું કે મારી ટ્રાન્સફરનો નિર્ણય સુપ્રીમ કોર્ટની કોલેજિયમે કર્યો હતો.

Share Now