નિર્મલા સીતારામને એસબીઆઈને ‘બેરહેમ’-‘અયોગ્ય’ બેંક ગણાવી

294

– ચા કામદારોના બંધ એકાઉન્ટ મુદ્દે એફએમ ગુસ્સે ભરાયા
– સીતારામન ચાના બગીચાના કામદારોને લોન મળવામાં થઈ રહેલી મુશ્કેલીઓથી નારાજ

નવી દિલ્હી,

નાણામંત્રી નિર્મલા સિતારામનનો એક ઓડિયો હાલ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઓડિયોમાં તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર અને બેન્કના અધિકારીઓની ઝાટકણી કાઢે છે. તેમણે એસબીઆઈને ‘બેરહેમ’ અને ‘અયોગ્ય’ બેન્ક પણ ગણાવી હતી.

હકીકતમાં ઓડિયો મુજબ નાણામંત્રી લોકોની સમસ્યાઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે અને પછી એસબીઆઈના અધિકારીઓ પર તેઓ ગુસ્સે ભરાય છે. નિર્મલા સીતારામનનો જે ઓડિયો વાઇરલ થયો છે તેમાં તેઓ એસબીઆઈની ઝાટકણી કાઢી છે. આ કાર્યક્રમમાં એસબીઆઈના ચેરમેન રજનીશ કુમાર અને અન્ય બેન્કોના પ્રમુખ પણ હાજર હતા.

આ ઘટના 27મી ફેબુ્રઆરીની છે. આ દિવસે નાણામંત્રી એસબીઆઈના ફાઈનાન્સિયલ આઉટરીઝ પ્રોગ્રામમાં ભાગ લેવા ગુવાહાટી પહોંચ્યા હતા. ઓડિયો ક્લિપમાં સીતારામન ચાના બગીચાના કામદારોને દેવું મળવામાં થઈ રહેલી મુશ્કેલીઓથી નારાજ છે.

તેઓ કહે છે મને એ ન જણાવશો કે તમે સૌથી મોટી બેંક છો. તમે એક બેરહેમ બેંક છો. તેમણે એસબીઆઈને હાર્ટલેસ અને અયોગ્ય બેંક પણ ગણાવી હતી. નાણામંત્રી કહે છે તમારી બેન્કમાં યોગ્ય રીતે કામ થતું નથી.

આ સાથે તેમણે ચાના બગીચાના કામદારોના બંધ થઈ ગયેલા ખાતાઓને ફંક્શનલ કરવા માટે નિર્દેશો પણ આપ્યા હતા. વધુમાં તેમણે બેન્કની બેદરકારી બદલ એસબીઆઈના ચેરમેનને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ આ ચલાવી લેશે નહીં.

Share Now