। વોશિંગ્ટન ।
કોરોના વાઇરસે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ૧૫૮ દેશોમાં આને કારણે હડકંપ મચ્યો છે. સોમવારે બપોર સુધીમાં વિશ્વમાં કોરોનાને કારણે ૭,૦૭૧ લોકોનાં મોત થયાં છે જ્યારે ૧,૭૯,૮૧૪ લોકોને તેનો ચેપ લાગ્યો છે. ઇટાલીમાં મૃત્યુઆંકમાં ઝડપથી વધારો થયો છે અને સોમવારે એક જ દિવસમાં ૩૪૯ના મોત થયા છે. આમ મૃતાંક વધીને ૨,૧૫૮ થયો છે. આમ ચીન પછી વિશ્વમાં કોરોનાથી મૃત્યુ પામનાર દેશોમાં ઇટાલીનો નંબર બીજો છે. ત્યાં પથારીઓ અને રેસ્પિરેટરીની અછત સર્જાઈ છે. ઇરાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૯ લોકોનાં મોતથી ગભરાટ ફેલાયો છે. જ્યારે ૧૦૦૦થી વધુ લોકોને સંક્રમણ થયું છે. અમેરિકામાં કોરોનાએ ૬૯ લોકોનો ભોગ લીધો છે. યુએસનાં ૨૯ રાજ્યોમાં સ્કૂલો અને કોલેજો બંધ કરાઈ છે. ટેસ્ટિંગ માટે ૨૦૦૦ હાઈસ્પીડ લેબ કાર્યરત કરાઈ છે. ટ્રમ્પ સરકાર દ્વારા નેશનલ લોકડાઉનનો ઇનકાર કરાયો છે અને તેને અફવા ગણાવવામાં આવી છે. શ્રીલંકામાં કોરોનાનાં લક્ષણો છુપાવનારને ૬ મહિનાની સજા કરાઈ છે. પોપ ફ્રાન્સિસે મહામારી જલદી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી છે. જર્મનીમાં કોરોનાના કેસ વધતા સોમવારે ૬ દેશોની બોર્ડરને સીલ કરાઈ છે. ન્યૂઝીલેન્ડે એરલાઈન્સનો બિઝનેસ ઠપ થતાં ૩૦ ટકા કર્મીઓને છૂટા કરવાનું નક્કી કર્યું છે. WHOએ કોરોનાને અત્યાર સુધીની સૌથી ગંભીર મહામારી ગણાવી છે. WHO દ્વારા પહેલેથી જ કોરોને વૈશ્વિક મહામારી જાહેર કરી દેવાઈ છે.
યુએસમાં ૬૯નાં મોત । નેશનલ શટડાઉન નહીં : ટ્રમ્પનો માર-એ-લાગો રિસોર્ટ બંધ કરાયો
અમેરિકામાં કોરોનાને કારણે ૬૯ લોકોનાં મોત થયાં છે. ૩૮૦૨ લોકોને સંક્રમણ થયું છે. ટ્રમ્પ સરકારે નેશનલ શટડાઉનનો ઈનકાર કર્યો છે. વધુ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી ૨૯ રાજ્યોની સ્કૂલો અને કોલેજો બંધ કરાઈ છે. જુદીજુદી કંપનીના લાખો કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. ટ્રમ્પનો ફ્લોરિડા ખાતેનો માર-એ-લાગો રિસોર્ટ બંધ કરાયો છે. તેને સેનિટાઈઝ કરાઈ રહ્યો છે. ગયા અઠવાડિયે અહીં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે ટ્રમ્પે બેઠક યોજી હતી.
પાકિસ્તાનમાં કુલ ૧૮૬ કેસ । પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાનાં ૧૮૬ કેસ નોંધાયા છે. ત્યાં સિંધમાં ૫૦ નવા કેસ સાથે કુલ ૭૬ કેસ પ્રકાશમાં આવ્યા છે. પંજાબ પ્રાંતમાં પહેલો કેસ નોંધાયો છે.
ચીનના ૧૩ પ્રાંતમાં કોરોનાનો કોઈ નવો કેસ નહીં
ચીનનાં ૧૩ પ્રાંતમાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો નથી. આ પ્રાંતમાં તિબેટ, શિનજિયાંગ, ચિંગહુઈ, ફુજિયાન, અનહુઈ, જિઆંગ્શી, શન્શી, હુનાન, જિઆંગ્શુ, ચોગ્કિંગ્સ, ગુઈઝોઉ, ઝિલિન અને તિઆન્જિનનો સમાવેશ થાય છે.
જેક મા એ માસ્ક અને ટેસ્ટિંગ કિટ્સ દાનમાં આપ્યાં
ઈ કોમર્સ કંપની અલીબાબાનાં સ્થાપક જેક મા એ અમેરિકાને મદદ કરી છે. તેમણે ૧૦ લાખ માસ્ક તેમજ ૫ લાખ ટેસ્ટિંગ કિટ દાનમાં આપ્યા છે. તેમણે એક વિમાનમાં આ સામગ્રી રવાના કરી છે અને ટ્વિટ કર્યું છે કે આ સામગ્રી મારા અમેરિકન દોસ્તોને શુભકામના સાથે મોકલું છું.
જર્મની પાડોશી દેશો સાથે વ્યાપારિક લેવડ-દેવડ ચાલુ રાખશે
જર્મનીમાં કોરોનાના કેસ વધતા સરકારે ૬ દેશોને સ્પર્શતી તેની બોર્ડર સીલ કરી છે. ત્યાંનાં ગૃહપ્રધાન હોર્સ્ટ સીરોફરે કહ્યું હતું કે આ નિર્ણય અઘરો હતો પણ કોરોનાને વધતો રોકવો જરૂરી હતો. તેમણે ઓસ્ટ્રિયા, સ્વિત્ઝર્લેન્ડ, ફ્રાન્સ, લક્ઝમબર્ગ, ડેનમાર્કની બોર્ડર વધુ આદેશ સુધી બંધ કરી હતી. જો કે માલસામાનની અવરજવર ચાલુ રહેશે.
લેબેનોનમાં લોકડાઉન । લેબેનોનમાં કોરોનાથી ૩નાં મોત થયા પછી અને ૧૦૦ લોકોને અસર થયા પછી લોકડાઉન જાહેર કરાયું છે. તમામ એરપોર્ટ અને બોર્ડર તેમજ બંદરો ખાતે બે અઠવાડિયા માટે તમામ કામગીરી અને લોકોની અવરજવર બંધ કરાઈ છે.
ઈરાનમાં કોરોનાથી અયાતુલ્લાહનું મોત
ઈરાનનાં કોમ શહેરમાં કોરોનાથી અયાતુલ્લાહ હશમ બથાઈનું મોત થયું છે. શિયા સમુદાયમાં ધર્મનાં જ્ઞાનીને અયાતુલ્લાહની ઉપાધિ અપાય છે.
ઈટાલીમાં સોમવારે ૧ દિવસમાં ૩૪૯ના મોત, કુલ મૃતાંક ૨,૧૫૮ થયો
કયા દેશમાં કેટલાં મોત
દેશ દર્દીઓ મોત
ચીન ૮૦૮૮૦ ૩૨૧૩
ઈટાલી ૨૪૭૪૭ ૨૧૫૮
ઈરાન ૧૪૯૯૧ ૮૫૩
દ.કોરિયા ૮૨૩૬ ૭૫
સ્પેન ૮૭૯૪ ૨૯૭
જર્મની ૬૨૪૮ ૧૩
ફ્રાન્સ ૫૪૨૩ ૧૨૭
અમેરિકા ૩૮૦૨ ૬૯
જાપાન ૧૫૪1 ૩૪
બ્રિટન ૧૩૯૧ ૩૫
ભારત ૧૧૭ ૦૨