કમ્પ્લાયન્સ સર્ટિ હવે 31 મે સુધી અને સેક્રેટરિયલ કમ્પાલયન્સ રિપોર્ટ 30 જૂન સુધી ફાઈલ કરી શકાશે
એજન્સી > નવી દિલ્હી
સેબીએ કોરોના વાયરસને પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં કંપનીઓને માર્ચના ક્વાર્ટર(Q4)ના પરિણામ ફાઈલ કરાવવા માટે નિયત સમયમર્યાદામાં 45 દિવસનો વધુ સમય આપ્યો છે. આ ઉપરાંત 2019-20ના સમગ્ર વર્ષના પરિણામ ફાઈલ કરાવવા માટે વધુ એક મહિનાનો સમય આપ્યો છે. જાન્યુઆરી-માર્ચના ત્રિમાસિક પરિણામ જાહેર કરવા માટે 45 દિવસનો વધુ સમય મળશે. મતલબ કે કંપનીઓ હવે 30 જૂન, 2020 સુધીમાં માર્ચના ક્વાર્ટરના પરિણામ જાહેર કરી શકશે. સામાન્ય સંજોગોમાં આ સમયમર્યાદા 15 મે છે. એ જ રીતે વાર્ષિક પરિણામ પણ હવે 30 જૂન સુધીમાં ફાઈલ કરી શકશે. સામાન્ય સંજોગોમાં તેમણે વર્ષ પૂરું થાય પછી બે મહિનામાં એટલે કે 31 મે સુધીમાં પરિણામ ફાઈલ કરી દેવાના હોય છે.
સેબીએ સરક્યૂલર જાહેર કરીને કંપનીઓને આ રાહત આપી છે. આ ઉપરાંત ત્રિમાસિક કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટ ફાઈલ કરવા માટે એક મહિનાની રાહત આપી છે અને શેરહોલ્ડિંગ પેટર્ન તથા ઈન્વેસ્ટર કમ્પ્લેઈન રિપોર્ટના સ્ટેટમેન્ટ ફાઈલ કરવા માટે વધુ ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. આ ઉપરાંત કંપનીના બોર્ડની બે મીટિંગ વચ્ચે નિશ્ચિત સમયગાળો હોવો જોઈએ તે મતલબના નિયમને પણ હળવો કરાયો છે. સામાન્ય નિયમ એવો છે કે કોઈપણ બે મીટિંગ વચ્ચે 128 દિવસનો મહત્તમ ગેપ હોવો જોઈએ. પરંતુ 1 ડિસેમ્બર, 2019થી 30 જૂન, 2020 વચ્ચે આ પ્રકારે પ્રસ્તાવિત મીટિંગ વચ્ચેના ગેપમાંથી કંપનીઓને મુક્તિ અપાઈ છે. જોકે વર્ષમાં કુલ ચાર વાર મીટિંગ કરવી પડશે. અન્ય રાહતમાં શેર ટ્રાન્સફર ફેસિલિટી અંગેનું છ માસિક કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ અને વાર્ષિક સેક્રેટરિયલ કમ્પ્લાયન્સ રિપોર્ટ ફાઈલ કરવા માટે પણ એક મહિનાનો વધુ સમય અપાયો છે. કમ્પ્લાયન્સ સર્ટિ હવે 31 મે સુધી અને સેક્રેટરિયલ કમ્પાલયન્સ રિપોર્ટ 30 જૂન સુધી ફાઈલ કરી શકાશે.