મુંબઇ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન, દિલ્હીમાં તમામ મોલ્સ બંધ

291

કોરોના વાયરસના સંક્રમણના જોખમો સામે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ શહેર સહિત ચાર શહેરોમાં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન ખૂબ જરૂરી સેવાઓ ચાલુ રહેશે. તેમજ દિલ્હીમાં કેજરીવાલ સરકારે તમામ મોલ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 200 જેટલી થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યા પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે આ રવિવારથી લઇને આવતા અઠવાડિયા સુધી તમામ આંતરરાષ્ટ્રિય વિમાનોનાં ભારતમાં પ્રવેશને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નિવેદનમાં કહ્યું કે, “22 માર્ચ, 2020થી લઇને આગામી એક અઠવાડિયા સુધી કોઈપણ શિડ્યુલ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટને ભારતમાં આવવાની પરવાનગી નહીં હોય.”

સરકારે દેશનાં તમામ વરિષ્ઠ નાગરિકોને ઘર પર રહેવાની સલાહ આપી છે. નિવેદન પ્રમાણે, “સાર્વજનિક પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ, ડોક્ટરોને છોડીને 65 વર્ષથી વધારે વર્ષનાં તમામ વૃદ્ધ નાગરિકોને ઘર પર જ રહેવા માટે રાજ્ય સરકારો ઉચિત નિવેદનો જાહેર કરશે.” આજ પ્રકારે, 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને ઘર પર રહેવાની સલાહ આપવામાં આવી છે.

રેલવેએ ટ્રેનોમાં ભીડ ઓછી કરવા માટે દર્દીઓ, વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને છોડીને અન્ય શ્રેણીમાં ટિકિટોને 20 માર્ચની અડધી રાતથી આગામી આદેશ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રોને કહ્યું છે કે, તે પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપે. કેન્દ્ર સરકારનાં ગ્રુપ-બી તથા ગ્રુપ-સીનાં કર્મચારીઓને એક અઠવાડિયાની વચ્ચે ઑફિસ આવવાની સલાહ આપી છે અને સૌના ટાઇમિંગ અલગ કરી દેવામાં આવ્યા છે.

Share Now