કોરોના સામે જાગૃતિ માટે WhatsApp પર ‘MyGov Corona Helpdesk’

417

સરકારે અફવાઓને નાબૂદ કરવા અને જનતાને મદદરુપ થવા માટે હેલ્પલાઇન લોન્ચ કરી

એજન્સી, નવી દિલ્હી:

ભારતમાં ઘાતક કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 206એ પહોંચી ચૂકી છે અને 5 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે સતત કાર્યશીલ છે જેના પગલે પીએમ મોદીએ પણ રવિવારે જનતા કરફ્યુની અપીલ કરી હતી. આ સિવાય ભારતે તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પણ એક અઠવાડિયા માટે બંધ કરી દેવાના આદેશ આપ્યા છે. કેટલાક રાજ્યોમાં જાહેર પરિવહન સેવાઓ અને એક સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશભરની શાળા-કોલેજોને 31 માર્ટ સુધી બંધ કરી દેવામાં આવી છે તથા મોટાભાગના શહેરોમાં સ્થિત થિયેટર્સ, મોલ્સ, મલ્ટીપ્લેક્સ આદિ બંધ દેવામાં આવ્યા છે.

આ પગલે આગળ વધતા તાજેતરમાં જ કેન્દ્ર સરકારે COVID-19ને લઇને અફવાઓને રોકવા અને આ અંગે લોકોને સાચી માહિતી મળે એવા હેતુસર એક હેલ્પલાઇન ‘MyGov Corona Helpdesk’ લોન્ચ કરી છે. આ હેલ્પલાઇન સોશિયલ મીડિયાના મહત્વના પ્લેટફોર્મ “WhatsApp” પર કામ કરશે. એક ચેટબોક્સ લોકોના સવાલોના જવાબ આપશે. આ ચેટબોક્સ પર કોઇપણ યૂઝર સવાલ પૂછી શકશે, જેના માટે યુઝરે “9013151515” ફોન નંબર SAVE કરવાનો રહેશે.

વિશ્વસ્તરે કોરોના વાયરસ 10,000થી વધારે લોકોનો ભોગ લઇ ચૂક્યો છે અને પ્રતિ દિવસ આ આંકડો સતત વધી રહ્યો છે. તાજેતરની માહિતી મુજબ દુનિયામાં 2.50 લાખથી વધારે લોકો COVID-19થી ઇન્ફેક્ટેડ છે. ચીન, ઇટાલી, સ્પેનમાં સૌથી વધારે કેસો સામે આવ્યા છે. ચીનમાં કોરોનાના 81,200 કન્ફર્મ કેસ છે જ્યારે ઇટાલીમાં 41,035 કેસો છે તથા 3400થી વધારે લોકો માર્યા ગયા છે. ઇરાનમાં પણ કોરોનાના 18,000થી વધારે કેસો સામે આવ્યા છે. સ્પેનમાં 18,077 કન્ફર્મ કેસો થયા છે.

Share Now