કોરોનાનો કહેર રેલવે પર, 40 ટકા બૂકિંગ રદ, એક મહિનામાં 450 કરોડનો ફટકો

283

નવી દિલ્હી, તા.20 માર્ચ 2020, શુક્રવાર

ભારતીય રેલવે પર કોરોનાના કહેર વરતાઈ રહ્યો છે.લોકો હવે રેલવેની મુસાફરી કરવાનુ ટાળી રહ્યા છે. બીજી તરફ રેલવે પણ કોરોનાના જોખમના કારણે ટ્રેનો રદ કરી રહી છે.

આમ બંને તરફથી પડી રહેલા મારના કારણે રેલવેને માર્ચ મહિનામાં જ અત્યાર સુધીમાં 450 કરોડનો ફટકો પડી ચુક્યો છે. 200 ટ્રેનો રદ કરાઈ છે અથવા તો રોકી દેવાઈ છે. આ નુકસાનનો આંકડો રોજ વધી રહ્યો છે.

માર્ચ મહિનામાં રેકોર્ડ સંખ્યામાં ટિકિટો કેન્સલ થઈ છે. ટિકિટ કેન્સલેશનનો રેટ 40 ટકા સુધી પહોંચી ગયો છે.સામાન્ય સંજોગોમાં 10 થી 17 ટકા સુધી ટિકિટો કેન્સલ થતી હોય છે.

સિનિયર સિટિઝન્સ રેલેવેની યાત્રા ટાળી તે માટે તેમને ટિકિટ પર અપાતુ ડિસ્કાઉન્ટ પણ પાછુ ખેંચી લેવાયુ છે. આ આદેશ નવી એડવાઈઝરી બહાર પડે ત્યાં સુધી ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા પહેલા જ કેટલાક રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવાયો છે.

Share Now