સુરત, તા. 23 માર્ચ 2020 સોમવાર
કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે આજથી સુરત કોર્ટ બિલ્ડિંગમાં અર્જન્ટ કેસ કાર્યવાહી માટે વકીલો તથા સંબંધ સંબંધિત પોલીસ મથકના પોલીસ તપાસ અધિકારીને કોર્ટમાં હાજર રહેવાની જરૂર ન હોવાનું ફરમાન કરવામાં આવ્યું છે.
મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા સુરત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત કોર્ટમાં કેસ કાર્યવાહીમાં પોલીસ મથકના અધિકારીને હાજર ના રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર સુરત પોલીસ વતી ચાર ઝોન પ્રમાણે ચાર નોડલ ઓફિસર કોર્ટમાં હાજરી આપશે તથા તપાસ અધિકારી મુખ્ય જિલ્લા સરકારી વકીલની કચેરીએથી સોગંદનામુ ઈ મેલ મારફતે મોકલી આપશે.
હાલમાં સરકારી વકીલની કચેરીમાં રોટેશન પ્રમાણે કાર્યરત બે સરકારી વકીલો કોર્ટમાં રજૂ કરશે. સુરત કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી એસ કાલા સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ તથા અન્ય સિનિયર વકીલો દ્વારા આ નિર્ણયના સમર્થન આપી વકીલોને પણ કોટ બિલ્ડિંગમાં હાજરીમાંથી મુક્તિ આપવાનું નક્કી કરાયું છે.
અત્રે નોંધનીય છે કે અગાઉ ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર પ્રમાણે તારીખ 23 થી 31 માર્ચ સુધી હાલમાં સુરત કોર્ટમાં કામ કરતા કર્મચારીઓના સ્ટાફે પણ રોટેશન પ્રમાણે અડધા કર્મચારી સ્ટાફે બે કલાકમાં પ્રિસાઇડિંગ ઓફિસરે બે કલાકમાં અર્જન્ટ કેસ કાર્યવાહી પૂરી કરી કોર્ટ બિલ્ડિંગ સંકુલ છોડી દેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.