બારડોલી
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પલસાણા અને બલેશ્વર ગામની આસપાસ આવેલ કેટલીક ડાઈંગ અને પ્રિંટિંગ મિલો ચાલુ રહેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે મિલ માલિકોને સમજાવ્યા બાદ મિલો બંધ કરી દેવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. વિશ્વ કોરોનાથી બચવા માટે ઝઝૂમી રહ્યું છે. ભારત સરકાર દ્વારા પર પણ અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો કે તેમ છતાં કેટલાક લોકો સરકારનો આદેશનું પાલન કરતાં ન હોવાનું સામે આવી રહ્યું છે. આવી ભયંકર પરિસ્થિતી હોવા છતાં પલસાણા અને બલેશ્વર વિસ્તારમાં 6 થી 7 મિલો સોમવારના રોજ ચાલુ રહી હતી. મિલ ચાલુ હોવાની જાણ થતાં જ પોલીસે મિલોમાં જઈ માલિકોને સમજાવ્યા હતા અને મિલ બંધ કરવાની ફરજ પાડી હતી. જો કે બારડોલી અને કામરેજમાં દુકાન ખુલ્લી રાખનારાઓ સામે પણ ફરિયાદ નોંધાઈ છે ત્યારે મોટી સંખ્યામાં કર્મચારીઓ સાથે કામ કરતી મિલો ચાલુ રહેતા તેમની સામે પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે અંગે પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.