કોરોના અંગે એક સ્ટડી ગ્રુપનો રીપોર્ટ ખળભળાટ મચાવે છેઃ લોકો અને સરકાર દોડશે નહિ તો આવતા ૭ સપ્તાહ મુશ્કેલભર્યા રહેવાના છેઃ ભારતે ચીન અને અન્ય દેશો જેવા પગલા લેવા પડશે : વાયરસને મોસમ કે તાપમાન સાથે લેવા દેવા નથીઃ ૧૫ એપ્રિલ સુધીમાં ૫૦૦૦ દર્દીઓ થઈ જશેઃ મે મહિનામાં સંક્રમિત લોકોની સંખ્યા ૫૮૬૪૩ની આસપાસ થશેઃ કોરોનાના દર્દીઓની સંખ્યા ભારતમાં ઓછામાં ઓછી ૬૦૦૦૦ તથા વધુમાં વધુ ૯.૧૫ લાખની થઈ શકે છે
નવી દિલ્હી, તા. ૨૪ :અત્યારે કોરોનાના કારણે દુનિયાના બધા દેશો પરેશાન છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ્ને દુનિયાભરના દેશોની સરકારો તેને ફેલાતો રોકવામાં લાગી ગઈ છે,ત્યારે એક સ્ટડી ગ્રુપનો રીપોર્ટ બહાર આવ્યો છે,જેમાં ભારતને ચેતવણી અપાઈ છે.આ ગ્રુપ જણાવી રહ્યુ છે કે,જો ભારતના લોકો અને સરકાર સાવચેતી નહી રાખે તો આગામી સાત અઠવાડીયા અત્યંત મુશ્કેલી ભર્યા બનવાના છે.આ વાયરસ ભારતમાં વધુ વિકરાળ સ્વરૂપ લઈ લેશે એટલે ભારતે ચીન અને અન્ય દેશો જેવા પગલા લેવા પડશે.આ સ્ટડી ગ્રુપનું નામ છે COV-IND 19 study.group.આ ગ્રુપ ચીન,અમેરિકા,ઈટલી અને અન્ય દેશોમાં વાયરસ ફેલાવાની પેટર્નનો અભ્યાસ કર્યા પછી ભારતના આંકડાનું એનાલીસીસ કરી રહ્યુ છે.તે એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યુ છે કે ભવિષ્યમાં સ્થિતિ કેવી બનશે.મિશીગન યુનિવર્સિટી,જોન હોપકીન્સ યુનિવર્સિટી,કનેકટીકટ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિકસના બાયો અને ડેટા વૈજ્ઞાનિકો દ્વારા બનેલ COV-IND 19 નું એનાલિસીસ છે કે મે મહિનામાં ભારત ઉપર કોરોનાનો પ્રકોપ અત્યંત ખરાબ હશે.કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછામાં ઓછી ૬૦ હજાર અને વધુમાં વધુ ૯.૧૫ લાખે પહોંચી શકે છે.સ્ટડી ગ્રુપ અનુસાર આગામી કેટલાક મહિનાઓમાં ભારતની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.તેના અનુસાર ૩૧ માર્ચ સુધી ભારતમાં કોરોના વાયરસના કેસ ૩૭૯ થઈ જશે,પણ તે અત્યારે જ એટલે કે આજે ૨૪ માર્ચે ૫૦૦ થઈ ગયા છે અને હવે કેટલા વધશે તે નક્કી નહીં.અભ્યાસ અનુસાર ૧૫ એપ્રિલ સુધીમાં કોરોના પીડિતોની સંખ્યા ૫ હજાર આસપાસ હશે અને મે મહિનાની મધ્યમાં એટલે કે ૧૫ મે સુધીમાં વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો લગભગ ૫૮૬૪૩ આસપાસ થઈ શકે છે.આ ગ્રુપના રિસર્ચરોનું એમ પણ કહેવાનુ છે કે આ આંકડા નીચલા સ્તરના ચેપના ગણીને કાઢયા છે.જો મહત્તમ દરના ચેપને ગણીને આ વિશ્લેષણ કરવામાં આવે તો ૧૫ મે સુધીમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૯ લાખ ૧૫ હજાર સુધી પહોંચી શકે છે.COV-IND 19 ગ્રુપ અનુસાર ૧૯ માર્ચ સુધી ભારત અમેરિકન પેટર્ન પર ચાલી રહ્યુ હતુ.આનો અર્થ એ છે કે ગ્રુપ અનુસાર ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવાનો દર અત્યંત ધીમો છે.ભારત માટે આ વાયરસ એટલા માટે પણ ખતરનાક સાબિત થશે કેમ કે દેશમાં હોસ્પીટલો ઓછી છે.વર્લ્ડ બેંક અનુસાર, ભારતમાં દર ૧૦૦૦ વ્યકિતઓએ ૦.૭ હોસ્પીટલ છે,જ્યારે ફ્રાંસમાં ૬.૫, દક્ષિણ કોરીયામાં ૧૧.૫, ચીનમાં ૪.૨, ઈટલીમાં ૩.૨, બ્રિટનમાં ૨.૯ અને અમેરિકામાં ૨.૮ છે. આનો મતલબ એ છે કે ઉનાળામાં ભારતમાં કોરોના વાયરસની અસર વધુ ભયાનક થઈ શકે છે.આ સ્ટડી ગ્રુપ અનુસાર એ કહેવુ અઘરૂ છે કે ગરમીમાં કોરોના વાયરસ મરી જશે. તે વધુ વિકરાળ રૂપ પણ લઈ શકે છે.ગ્રુપનું કહેવુ છે કે ટ્રાન્સપોર્ટ અને મુસાફરી સંપૂર્ણપણે બંધ કરવાથી કોરોના વાયરસનો ફેલાવો રોકાશે,પણ તે સંપૂર્ણપણે ખતમ નહી થાય.જેવો ટ્રાવેલ બેન હટશે તે ફરીથી સક્રિય થઈ શકે છે, તેને ઋતુ કે હવામાન સાથે કોઈ લેવા દેવા નથી.