સુરતમાં સાત શંકાસ્પદ કેસમાં અમુકની ટ્રાવેલ હિસ્ટ્રી નહિં હોવાથી તંત્ર ખડેપગે, ડોર ટુ ડોર સરવે શરૂ

431

ઉધના, વરાછા, રાંદેર, લિંબાયત અને સેન્ટ્રલઝોનમાંથી શંકાસ્પદ કેસો, મતલબ આખું શહેર ઝપેટમાં !!! 10 બ્રિજ અવરજવર માટે બંધ કરાયા

સુરત

સુરતમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ તંત્ર વધુ કડક બન્યું છે અને સુરત મહાનગરપાલિકાએ આજથી ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો છે. ઉપરાંત 25મી માર્ચ સુધી તાપી નદી પર આવેલા તમામ 10 બ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને સુરતમાંથી કોરોનાના જે સાત શંકાસ્પદ કેસ મળ્યાં છે તેમાંથી અમુક કેસોની વિદેશ હિસ્ટ્રી નહિં હોવાના કારણે ચિંતાનું કારણ વધ્યું છે.
કોરોના વાયરસથી સુરતમાં પહેલું મૃત્યુ નોંધાયું છે. સાથે સાથે પોઝિટીવ કોરોનાના બે નવા કેસ સામે આવ્યાં છે અને સાત શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ ચકાસણી માટે મોકલી અપાયા છે. આ દર્દીઓમાં ઉધનાઝોનની બે મહિલાઓની અને લિંબાયતની એક મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જે પાલિકા માટે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે. તે સિવાય વરાછાઝોનમાંથી એક 24 વર્ષની યુવતીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જે જર્મની અને દુબઈ થઈને સુરત આવી હતી. જ્યારે રાંદેર ઝોન વિસ્તારમાંથી 26 વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈલ કરાયો છે જેની ટ્રાવેલ હિસ્ટી દુબઈ-કતારની છે.
રાંદેર વિસ્તારમાંથી અન્ય એક 64 વર્ષના પ્રૌઢને સિવિલમાં ખસેડાયા છે જે કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર જઈને આવ્યાં છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાંથી 45 વર્ષના યુવાન શંકાસ્પદ કોરોના પેસન્ટના સંપર્કમાં આવ્યા હોવાથી અને તેનામાં પણ શંકાસ્પદ કોરોનાના લક્ષણ દેખાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ તમામ દર્દીઓ અલગ-અલગ ઝોન વિસ્તારના હોવાથી ચિંતાનું કારણ વધ્યું છે.
આમ સુરતમાં અત્યાર સુધી પાંચ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જે પૈકી એકનું મૃત્યુ થયું છે. જ્યારે 18 હોસ્પિટલમાં દાખલ છે અને સાતમાં શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાયા છે.

Share Now