
અમેરિકી પોપસ્ટારનો એક વીડિયો ઓનલાઈન પર વિવાદનું કારણ બની ગયો છે. સોમવારે મેડોનાએ ઈન્સ્ટાગ્રામ પર કોરોના વાયરસને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. મેડોનાએ વૈશ્વિક મહામારી કોરોના વાયરસને ધ ગ્રેટ ઈક્વલાઈઝર ગણાવ્યો હતો.
વીડિયોમાં મેડોના મિલ્કી વોટર અને ગુલાબથી ભરેલા બાથટબમાં બેઠી હતી. બેકગ્રાઉન્ડમાં પિયાનો વાગવાનો અવાજ આવી રહ્યો હતો. વીડિયોમાં મેડોનાએ કહ્યું હતું કે, વીડિયો-19 વિશે એક વાત છે. એ નથી જોતો કે તમે કેટલા ધનવાન છો, કેટલા ફેમસ છો, તમે કેટલા ફની છો, તમે કેટલા સ્માર્ટ છો, તમે ક્યાં રહો છો, તમારી ઉંમર કેટલી છે…
મેડોનાએ કહ્યું હતું કે, તે બધાને બરાબરી પર લાવનારો છે. તેના વિશે જે ખરાબ વાત છે, તે જ એના વિશે સૌથી સારી વાત છે. તેણે આપણને સૌને એક જેવા જ બનાવી દીધા છે, એક લેવલ પર લાવી દીધા છે. હું હંમેશાં જ હ્યુમન નેચરના ગાયબ થવાની વાત કહેતી હતી. આપણે સૌ એક જ જહાજમાં સવાર છીએ. જો જહાજ ડૂબી જશે તો આપણે સૌ પણ ડૂબી જઈશું. જોકે, મેડોનાની વાતો તેના ફેન્સને જરા પણ પસંદ ના આવી. તેની આ પોસ્ટ બાદ લોકો તેની વિરુદ્ધ કમેન્ટ કરવા માંડ્યા.એક યુઝરે કમેન્ટ કરી કે, સોરી ક્વીન, આપણે સૌ એક ના થઈ શકીએ. આપણે એક જ બીમારીથી મરી શકીએ છીએ, પરંતુ જે ગરીબ હશે તે સૌથી વધુ મુશ્કેલ પરિસ્થિતિમાં મરશે. એક વ્યક્તિએ આ વીડિયોને મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો હતો. વિવાદ બાદ મેડોનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી આ વીડિયો ડિલીટ કરી દીધો હતો.