અયોધ્યામાં બુધવારે રામલલાને ચાંદીના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા. નવા મંદિરમાં શિફ્ટીંગ બાદ હવે મુળ ગર્ભગૃહ પર રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે. ભગવાન શ્રી રામલલાને જે સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા છે તે ચાંદીનું છે અને તેનું વજન 9.5 કિલોગ્રામ છે.
જન્મભૂમિ પરિસરમાં રામલલા બુધવારે નવરાત્રિના પહેલા દિવસે અસ્થાઇ ફાઇબરના મંદિરમાં બિરાજમાન થઇ ગયા. છેલ્લા 28 વર્ષોથી તેઓ એક તંબુમાં બિરાજમાન હતા. રામલલાના શિફ્ટીંગ પહેલા અસ્થાયી મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતુ. આ સમયે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
બ્રહ્મમૂર્હતમાં અસ્થાયી મંદિરમાં શિફ્ટ થયા રામલલા
બુધાવારે સવારે બ્રહ્મ મૂર્હતમાં અંદાજે વહેલી સવારે 4 વાગ્યે શ્રીરામજન્મભૂમિ પરિસરમાં આવેલા ગર્ભગૃહમાં રામલલાને સ્નાન અને પૂજા અર્ચના બાદ અસ્થાયી મંદિરમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા. ફાઇબરના આ નવા મંદિરમાં રામલલાને બિરાજમાન કરવા માટે અયોધ્યાના રાજવી પરિવાર તરફથી ચાંદીનું સિંહાસન ભેટ આપવામાં આવ્યું છે. 9.5 કિલોના આ સિંહાસનને જયપુરમાં બનાવડાવવામાં આવ્યું છે.
હવે ચાંદીના સિંહાસન પર બિરાજશે રામલલા
જે આકર્ષક સિંહાસન પર શ્રીરામલલા બિરાજમાન થયા છે, તેના પાછળના ભાગ પર સૂર્ય દેવની આકૃતિ અને બે મોરનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં મુળ ગર્ભગૃહના અસ્થાયી મંડપમાં રામલલા લાકડાના સિંહાસન પર બિરાજમાન હતા. અયોધ્યાના રાજવી પરિવારના રાજા વિમલેન્દ્ર મોહન મિશ્ર પોતે આ સિંહાસનને લઇને અયોધ્યાથી આવ્યા હતા.
24 પંડિતોએ કર્યું નવા મંદિરનું શુદ્ધિકરણ અનુષ્ઠાન
હાલ સમગ્ર ભારતમાં વધી રહેલો કોરોનાના પ્રકોપને લઇને ભીડને દૂર રાખવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવા અસ્થાયી મંદિરમાં શિફ્ટીંગ દરમ્યાન સીએમ યોગી સિવાય રામજન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ, ટ્રસ્ટના સભ્ય રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર અને અન્ય સભ્યો અને મહંતો પણ હાજર રહ્યા હતા.
આવું છે ફાઇબરનું મંદિર
ફાઇબરનું નવું મંદિર 24×17 વર્ગફૂટ આકારના સાડા ત્રણ ફૂટ ઉંચા ચબુતરા પર સ્થાપિત છે. તેમના શિખરની ઉંચાઇ 25 ફૂટ છે. જેમની ચારે તરફ સુરક્ષાને લઇને એંગલ અને બોર્ડરનું મજબુત કવચ બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓએ દર્શન માટે ત્રણ ભાગોમાંથી પસાર થવાનું રહેશે જેની ઉંચાઇ 48 મીટર રહેશે. સુરક્ષાને ધ્યાને રાખીને સમગ્ર રસ્તામાં એલઇડી લેમ્પથી પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાઇબર મંદિરની દિવાલો મલેશિયાની ઓક લાકડાની સ્ટ્રિપ્સને તોડીને ઉભી કરવામાં આવી છે.