
– કોરોનાના ફેલાવા અંગે સંશોધનો કરનારી વિજ્ઞાનિકોની ટીમની ચેતવણી
– સંભવિત કોરોના ટેસ્ટનું પ્રમાણ ઓછું હોવાથી આંકડો નીચે રહ્યો હોવાનું વિજ્ઞાનિકોનું અનુમાન
– અત્યારે એક લાખ ભારતીયો ઉપર કોરોનાનું જોખમ
– ભારતે અમેરિકા-ઈટાલી જેવા દેશોની તુલનાએ શરૂઆતમાં ઘણાં અસરકારક પગલાં ભર્યા
– આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનિકોની ટીમે કેન્દ્ર સરકારની પ્રશંસા કરી
નવી દિલ્હી, તા. 26 માર્ચ 2020, ગુરૂવાર
આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનિકોની ટીમે ભારતને ચેતવણી આપી છે કે જો અત્યારે સમયસર પગલાં નહીં ભરાય તો દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 13 લાખ સુધી પહોંચી જશે. આ સંશોધકોએ ભારતના શરૂઆતી પ્રયાસની પ્રશંસા કરી હતી.
કોવિડ-ઈન્ડિયા-19 નામના એક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનિકોના ગ્રુપે એવી ભીતિ વ્યક્ત કરી છે કે જો અત્યારે ભારતમાં સાવચેતી રાખવામાં નહીં આવે તો મે માસના બીજા સપ્તાહ સુધીમાં ભારતમાં કોરોનાના 13 લાખ કેસ નોંધાઈ ચૂક્યા હશે. આ દહેશત વ્યક્ત કરવા પાછળ એવો તર્ક અપાયો હતો કે ભારત અત્યારે જે સ્થિતિમાંથી પસાર થાય છે એ જ સ્થિતિમાંથી અગાઉ ઈટાલી, ઈરાન, અમેરિકા પસાર થતા હતા અને એ પછી આ બંને દેશોમાં એકાએક કોરોનાના કેસ વધવા માંડયા હતા.
વિજ્ઞાનિકોએ બીજો તર્ક એવો પણ રજૂ કર્યો હતો કે ભારતમાં અત્યારે કોરોના પ્રભાવિત શંકાસ્પદ લોકોના ટેસ્ટનું પ્રમાણ ઘણું નીચું છે. બધા જ શંકાસ્પદોનું તુરંત ટેસ્ટિંગ થઈ રહ્યું નથી, જેમનામાં લક્ષણો દેખાય છે એવા જ લોકોનો રીપોર્ટ તૈયાર થાય છે. એટલે શંકાસ્પદ લોકોમાંથી કમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા અનેકગણી વધારે છે. વિજ્ઞાનિકોએ એવી શક્યતા પણ વ્યક્ત કરી હતી કે હજુ સુધી કોરોના પ્રભાવિત લોકોનો ખરો આંકડો કદાચ જાહેર જ થયો નથી. કોરોના પ્રભાવિત અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સરેરાશ ટેસ્ટિંગ ઓછું થવાની બાબતને વિજ્ઞાનિકોએ ગંભીર ગણાવી હતી.
જ્હોન્સ હોપકિંન્સ યુનિવસટીના દેબાશ્રી રેના કહેવા પ્રમાણે ભારતમાં અત્યારે સંખ્યાબંધ શંકમંદોની તપાસ કરવાની ખૂબ જરૂર છે. ભારત અત્યારે બીજા સ્ટેજમાં છે અને આ સ્ટેજમાં જેટલી સંખ્યામાં લોકોના રીપોર્ટ્સ તૈયાર થવા જોઈએ એટલા થતાં નથી. એના કારણ જો શંકાસ્પદ દર્દીઓ સમુહમાં રહેશે તો કમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા ખૂબ જ વધી જાય છે.
જોકે, વિજ્ઞાનિકોની આ ટીમે ભારતના શરૂઆતી પ્રયાસને બિરદાવ્યો હતો. વિજ્ઞાનિકોએ રીપોર્ટમાં લખ્યું હતું કે ભારતમાં સરેરાશ 1000 લોકોએ બેડની ક્ષમતા 0.7 છે. ફ્રાન્સમાં એક હજારે 6.5, સાઉથ કોરિયામાં 11.5, ચીનમાં 4.2 અને અમેરિકામાં 2.8 બેડની ક્ષમતા છે. તેની સામે ભારતની ક્ષમતા નગણ્ય છે, પરંતુ ભારતે જે રીતે આરંભિક લડત આપી છે તે પ્રશંસનીય છે. જો આ પ્રયાસ કારગત નીવડશે તો એ ભારતની મોટી સિદ્ધિ ગણાશે. જોકે, અત્યારે પણ ભારતમાં એક લાખ લોકો કોરોના શંકાસ્પદ હોવાની દહેશત આ વિજ્ઞાનિકોએ વ્યક્ત કરી હતી.
વિજ્ઞાનિકોએ ભારતના 21 દિવસના લોકડાઉનને ગેઈમ ચેન્જર ગણાવીને એવું ય નોંધ્યું હતું કે આ દિવસો ભારત માટે ખૂબ જ અગત્યના સાબિત થશે. જો આ દિવસોમાં સાવધાની રખાશે તો કદાચ કોરોનાના દર્દીઓનો આંકડો ઘણો નીચે રહે એવુંય શક્ય છે.