શું દેશભરમાં 21 દિવસ બાદ પણ ચાલુ રહેશે લોકડાઉન?

289

દુનિયાભરમાં તબાહી મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પોતાના પગ પસાર્યા છે. ગુરૂવાર સુધી દેશમાં આ બીમારીનાં કારણે 650 લોકો સંક્રમિત થયા છે. ભારતમાં સમુદાયમાં કોરોના ના ફેલાય તે માટે ભારત સરકારે 21 દિવસ સુધીનું લોકડાઉન લગાવી દીધું છે. આ લોકડાઉનનાં બીજા દિવસે મોદી સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ જે રીતે દરેક યોજનાને આગામી ત્રણ મહિના સુધી તૈયાર કરવામાં આવી છે તેનાથી એ વાતની સંભાવનાને બળ મળી રહ્યું છે કે શું આ લોકડાઉન 21 દિવસથી પણ વધારે ચાલશે?

1.70 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત

લોકડાઉનનાં કારણે ઘરોમાં કેદ થયેલી જનતા પરેશાન છે અને વિરોધ પક્ષ તરફથી આર્થિક પેકેજની માંગ સતત થઈ રહી હતી. આ દરમિયાન ગુરૂવારનાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામે આવ્યા અને 1.70 લાખ કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરી. નિર્મલા સીતારમણે આ દરમિયાન મહિલાઓનાં ખાતામાં પૈસા, મફત ગેસ સિલેન્ડર, ખેડૂતોને આર્થિક મદદ, કર્મચારીઓનાં ઈપીએફમાં મદદ જેવી મોટી જાહેરાત કરી, પરંતુ આમાં ફક્ત એક જ ચીજ કોમન હતી એ હતી દરેક ચીજની તૈયારી ત્રણ મહિના માટે કરવામાં આવી છે.

14 એપ્રિલ સુધી લોકોએ પોતાના ઘરોમાં કેદ રહેવાનું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે દેશને કોરોના મહામારીનાં સંકટ પર દેશને સંબોધિત કર્યો હતો, ત્યારે તેમણે દેશવાસીઓ પાસે બે-ત્રણ અઠવાડિયા માંગ્યા હતા. ત્યારબાદ પહેલા એક દિવસ માટે જનતા કર્ફ્યૂ લગાવ્યું, પરંતુ 24 માર્ચનાં 21 દિવસનું મહાકર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું. એટલે કે 14 એપ્રિલ સુધી લોકોએ પોતાના ઘરોમાં કેદ રહેવાનું છે.

ત્રણ મહિના સુધીની રાહતોની જાહેરાત

પરંતુ હવે જ્યારે ત્રણ મહિના સુધીની રાહતોની જાહેરાત કરવામાં આવી છે, તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી તૈયારીઓને લઇને આગળ વધી રહી છે. જો કે કેન્દ્ર સરકારે આ વાતની પુષ્ટિ નથી કરી. પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો કોરોના વાયરસની સ્થિતિ નહીં સુધરે તો શું લોકડાઉનને 21 દિવસથી વધારીને એપ્રિલ-મે અને જૂન સુધી ચાલુ રાખવામાં આવી શકે છે?

Share Now