એબોટ કંપનીએ પાંચ મીનીટમાં કોરોના ટેસ્ટ કરતું ઇકક્વિપમેન્ટ લોંચ કર્યું

319

એબોટ લેબોરેટરીએ કોરોના વાયરસના ટેસ્ટ માટેનું એક ઉપકરણ બહાર પાડયું છે જે ફકત પાંચ મીનીટમાં કોરોના છે કે નહિં તે કહી શકશે અને તે એટલું નાનું અને પોર્ટેબલ છે કે તેને ગમે તે આરોગ્ય કેન્દ્રમાં રાખી શકાશે.કંપની પહેલી એપ્રિલથી રોજના પ૦,૦૦૦ ઉપકરણો બનાવવાનું આયોજન કરી રહી છે તેમ એબોટ ડાયોગ્નોસ્ટીકસના આર એન્ડ ડી ના ઉપપ્રમુખ જોન ફ્રેલ્સે કહ્યું છે.આ સાધનથી દર્દીના શરીરમાં મોટા પ્રમાણમાં રહેલ કોરોના વાયરસની જાણ પાંચ જ મીનીટમાં થઇ શકશે જયારે દર્દીને ચેપ લાગ્યો છે કે નહિં તેની સંપૂર્ણ તપાસમાં ૧૩ મીનીટ લાગશે એમ તેમણે કહ્યું હતું.અત્યારે અમેરિકામાં કોરોના વાયરસ માટેના ટેસ્ટ કરવાના સાધનો અછત ઉભી થઇ છે.દેશના ન્યુયોર્ક,કેલીફોર્નિયા,વોશિંગ્ટન અને અન્ય વિસ્તારોની હોસ્પીટલો ઉભરાઇ રહી છે.અત્યારે ત્યાં વધુ જોખમ ધરાવતા દર્દીઓના જ ટેસ્ટ કરાઇ રહ્યા છે જયારે બાકીના લોકો ખાનગી ધંધાદારી ટેસ્ટીંગ કંપનીઓને પોતાના સેમ્પલો મોકલી રહ્યા છે.આમાં ટેસ્ટ કરવા માટે નાકમાંથી એક સ્વેબ અથવા ગળામાંથી લેવામાં આવે છે અને તેને કેમીકલ સોલ્યુશન સાથે મીક્ષ કરવામાં આવે છે તેનાથી વાયરસનો આરએનએ છૂટો પડે છે પછી તે મિશ્રણને આ ઉપકરણમાં મુકવામાં આવે છે જે તેનો રીપોર્ટ આપે છે.આ ઉપકરણ ફકત ૭ પાઉન્ડ (લગભગ સાડા ત્રણ કીલો) નું વજન ધરાવતું નાનકડું બોક્ષ છે અને તેને ગમે ત્યાં લગાવી શકાય છે પણ અત્યારે કંપનીએ ટ્રમ્પ પ્રશાસનને આશ્વાસન આપ્યું છે કે તે પહેલો જથ્થો જયાં તેની સૌથી વધુ જરૂર હશે ત્યાં સપ્લાય કરશે ત્યારબાદ કંપનીનું લક્ષ્ય હોસ્પીટલોના ઇમર્જન્સી રૂમ,અર્જન્ટ કેર કલીનીક અને ડોકટરોના દવાખાનાઓ છે.

Share Now