
જે લોકો આગળ આવીને દાન કરી રહ્યા છે હું તેઓનું સમ્માન કરું છુંઃ વડાપ્રધાન મોદી
એજન્સી, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસ સામેની લડત પર પળે-પળની ખબર રાખી રહ્યા છે. આજે તેમણે દેશવાસીઓને કોરોના જેવી મહામારી સામે લડવા માટે આર્થિક મદદ કરવા માટેની અપીલ કરી છે. આ માટે તેમણે વડાપ્રધાન કેયર્સ (PM-CARES) ફંડ બનાવ્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે મદદ કરી શકે છે. જો તમે પણ આ ફંડમાં ફાળો આપવા માગતા હોવ તો અહીં તે માટેની તમામ વિગતો આપવામાં આવી છે જેની મદદથી તમે ઘરે બેઠા દેશની મદદ અને સેવા કરી શકશો.
વડાપ્રધાનના રાહત ફંડમાં દાન કરવાનું કામતમે ઘરે બેઠા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ, યૂપીઆઈ અને RTGS/NEFTની મદદથી કરી શકો છો. વડાપ્રધાને પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને કહ્યું કે, હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ વડાપ્રધાન કેર ફંડમાં દાન કરે. તમારી મદદથી આપણે આ લડાઈ સામે લડી શકીશું. આગામી દિવસોમાં પણ આવા ડિઝાસ્ટર સામે લડવા માટે પણ સરકારની મદદ થઈ જશે. જે લોકો આગળ આવીને મદદ કરી રહ્યા છે તે તમામ લોકોનું હું સમ્માન કરું છું. તમારા બધાની મદદથી ભારત વધારે જલ્દી સ્વસ્થ થઈ શકશે.વડાપ્રધાન મોદીએ આજે તમામ રેડિયો જોકી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી અને તેમને આ સેવાયજ્ઞમાં સામેલ થવા માટેની અપીલ કરી હતી. વડાપ્રધાને તમામ રેડિયો જોકીને કહ્યું કે તમારી મદદથી અમે દેશના દરેકે-દરેક નાગરિકને કોરોના માટે જાગૃત કરવા માગીએ છે.