આપણને સામાન્ય રીતે એક એવી માન્યતા હોય છે કે, કોરોના વાયરસ રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવાં વ્યક્તિઓમાં જ થાય છે, જેમ કે વૃદ્ધ અને નાના બાળકો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના જુવાનજોધ યુવાનોને પણ થઈ રહ્યો છે. તાજેતરમાં જ સુરતમાં એક 26 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસ 63 થઈ ગયા છે.
સુરતમાં આજે સાંજે એક 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાન 21 માર્ચે UAEથી પરત આવ્યો હતો. તેને સુરતની સમરસ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન હેઠળ રખાયો હતો. પરંતુ તેનામાં કોરોનાના લક્ષણો દેખાતાં તેને 28 માર્ચે આઈસોલેશનમાં ખસેડાયો હતો. આજે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સુરતમાં કોરોના પોઝિટિવનો આંકડો 8 થયો છે. આ અગાઉ ગાંધીનગરમાં પણ 25 વર્ષીય યુવાનને સ્થાનિક સ્તરે કોરોનાનો ચેપ લાગ્યો હતો.આમ આ કિસ્સાઓ એ જુવાનીઓ માટે છે કે જે વિચારે છે કે કોરોના તેમને ન થાય, ફક્ત વૃદ્ધોને જ થાય છે. તો તમારી આ માન્યતા ભૂલી જજો. પોલીસ અને સરકારની સૂચનાનું પાલન કરી ઘરમાં જ રહેજો. ઘર બહાર નીકળવાની કોશિશ ન કરતાં. ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63 થઈ ગઈ છે. અને કોરોનાને કારણે પાંચ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.